વિશેષ: ધ્રુવા ઉનડકટ
“બાળપણમાં ઘડાયેલા મિત્રતા સહજતા અને ઈમાનદારીથી ભરપૂર હોય છે, પણ જયારે નવા ઉગેલા યુવાનોના સપનાઓ, રસ્તાઓ અને પ્રાથમિકતાઓ બદલાય છે ત્યારે જૂના સંબંધોમાં ડર પેદા થાય છે”
- Advertisement -
‘યુવાન’ જયારે બાળક મટી યુવાન બને છે અને જીવનના ઉતાર ચડાવ તબક્કાઓને જીવવાનું શરુ કરે છે ત્યારે તેની સાથે સંકળાયેલા લોકોના સ્વભાવમાં નવીનતા જોવા મળે છે. મા-બાપ સકારાત્મક અને શાંત બને છે. યુવા સંતાન જવાબદારીઓ લેશે અને હવે પોતાના નામ પર સમાજમાં ઓળખાણ ઉભી કરશે તે જાણી આનંદ અનુભવાય છે. પરિવાર અને ક્યારેક ગામની જવાબદારીઓ રૂપી જોખેલા વજનદાર પથ્થરો તેમના ખભ્ભા પરથી હળવા થશે. અહીં આત્મવિશ્વાસ અને સંતોષની ભાવના છે. સાથે આ તેજસ્વી યુવાનના જ્ઞાની ગુરુને ગૌરવનો ભાવ છે. પુખ્તાવસ્થામાં જેને આજની જેન-ઝી ટવેન્ટીઝ કે એડલટિંગ કહે છે, તેની રોલર કોસ્ટર રાઇડમાં માતા-પિતા સાંત્વના આપે પણ ગુરુ તો સટીક શિખામણ જ પીરસે છે. એટલે જયારે તે યુવાન પ્રગતિના પથે પા પા પગલી માંડે છે ત્યારે ગુરુની પ્રતિષ્ઠા ટોચ પર પહોંચે જ છે! આ બધા કરતા વિપરીત ભાવો જોવા મળે છે યુવાનના મિત્રોમાં. તેમાં થોડી નિરાશાની ઝલક દેખાય છે. બાળપણમાં ઘડાયેલા મિત્રતા સહજતા અને ઈમાનદારીથી ભરપૂર હોય છે. પણ જયારે નવા ઉગેલા યુવાનોના સપનાઓ, રસ્તાઓ અને પ્રાથમિકતાઓ બદલાય છે ત્યારે જૂના સંબંધોમાં ડર પેદા થાય છે. યુવાનીમાં ચિંતાની કરચલીઓ પાડવા લાગે છે કે જુના મિત્રો હવે જીવનભર આવી જ રીતે ટકશે કે કેમ? દોસ્તી સંભાળી રાખવા હવે બીઝી બી ન બની સમય કાઢવો પડશે.
જોકે, દસ-પંદર વર્ષ જૂની એ ખાસ વાતો ને ગાળોભરી મિત્રતા તૂટે તેવી સંભાવના તો બિલકુલ રહેતી જ નથી. પણ હા, યુવાનીમાં ઘુસ્યા બાદ, પ્રૌઢત્વના અનુભવ મેળવતા, બાળપણ જેવા જ લંગોટિયા યાર મળે તેવો ભરોસો રહેતો નથી. આ સમય તો એવો છે કે જયારે યુવાનોમાં બાળપણની નિખાલસતાં અને સહજતા ઉડી જાય છે. નવી યારી-દોસ્તીઓમાં દગો પણ મળી શકે છે.
નસીબદાર છે એ કે જેને એવા નવા મિત્રો મળ્યા જે ઓશીકા જેવા સુંવાળા બાળપણમાંથી હાથ ઝાંલી ખરબચડાં પ્રૌઢત્વના રસ્તા પર લઇ જાય છે અને સાથે રહે છે.
આજનો યુવાન જયારે તેના દિલ અને દિમાગને સમજાવી જાણે છે કે હવે પાણીમાં માત્ર છબછબિયાં નહીં પણ ઊંડાઈ માપીને તરવાનું છે ત્યારે તે લક્ષ્યને સાધી રહે છે.
બાળપણના ઘડતરને અને તેના મૂલ્યોને સાથે રાખી આજનો યુવા ટ્રેન્ડસને ફોલો કરે છે. વીસ વર્ષની ઉંમર બાદ હવે સપનાઓ ખુલ્લી આંખે પણ દેખાય છે ને તેને સાકાર કરવા જીવનના ચોવીસ કલાક પણ ઓછા લાગે છે. આ સમયનો યુવાન સતત દોડતો રહે છે, પોતાના માટે અને ક્યારેક બીજાના માટે પણ. જ્યારે આ બીજા લોકો રેસમાં આગળ નીકળી જાય છે ત્યારે આ યુવાનનું લોહી ઉકળી ઉઠે છે. તે વધુ મહેનત કરે છે ને વધુ દોડે છે. અ નેવર એન્ડિંગ રેસ. પછી તો ક્યારેક મોટિવેશન નહીં પણ રિયાલિટી ચેક્સ જ કામમાં આવે છે. પોતે સ્વતંત્ર રીતે જીવવામાં કોઈની સાડીબાર નથી રાખતો ને જરૂર પડ્યે સ્વાર્થ તડકે મૂકી સારથી પણ બને છે. ઘર છોડી તે પોતાની અલગ દુનિયાનું નિર્માણ કરવા નીકળ્યો છે.
લોકો આ નવા જગતમાં પ્રવેશ કરેલા યુવાનને આગળ પણ ધપાવશે તો અમુક ફક્ત ટાંટિયા ખેંચી થપાટ જ મારશે. તેવામાં આજનો યુવાન નિર્ભય બની કાળ બદલશે કે કાળ યુવાનને બુદ્ધિથી બાળક ને શરીરથી વૃદ્ધ કરી બનાવશે? એ તો યુવાનની યુવાનીમાં જ ખબર પડી જશે કેમકે વ્યક્તિના જીવનનો કિંમતી ને સોનેરી સમય તો યુવાવસ્થા જ જણાય છે…