શ્રમિક મૃતક પૂર્વ સરપંચનો પુત્ર હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણમાં થતા કાળા કોલસાના કારોબારમાં કરોડોની ચોરી અને માનવ જીવન સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે. માત્ર સામાન્ય રૂપિયા અને રોજગારી માટે પેટીયું રળવા આવતા શ્રમિકોને દરેક મિનિટ મોત સાથે સંઘર્ષ કરવા જેવી હોય છે. આ કોલસાની ગેરકાયદે ખાણોમાં આગાઉ અનેક પરિવારોના સભ્યો હોમાઈ ગયા છે અને હજુય આ સ્થિતિ યથાવત જ છે તંત્રની રીતસરની મંજૂરી માફક ચાલતી આ ગેરકાયદેસર કોલસાની ખાણોમાં ફરી એક વખત શ્રમિકની મોત થયા હોવાની વિગત સામે આવી છે જેમાં મૂળી તાલુકાના વગડીયા ગામે ચાલતી કોલસાની ગેરકાયદે ખાણમાં ગત શુક્રવારે મોડી સાંજે શ્રમિક પર ભેખડ ધસી જતા મોત થયું હતું આ સાથે અન્ય એક યુવાન શ્રમિક પણ ઇજાગ્રસ્ત થયો હતો આ બનાવને બનતા જ ગેરકાયદે ખાણ ચલાવતા ખનિજ માફીયાઓ કોલસાની ખાણ પર દોડી જઈ તત્કાલિક યુવાનના મૃતદેહને બહાર કાઢી એની ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો.
- Advertisement -
જ્યારે મૃતક યુવાનના પરિવાર જાણો સાથે દર વખતની માફક રૂપિયા આપી મોતનો સોદો કરાયો હતો મૃતક યુવાન વગડીયા ગામના પૂર્વ સરપંચ ભુરાભાઈ પનારાના પુત્ર ગોપાલભાઈ પનારા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ખનિજ માફિયા દ્વારા પૂર્વ સરપંચના પરિવારને રૂપિયા પાંચ લાખ આપી મામલો દબાવવાની કોશિસ કરાઈ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે જોકે મોદી રાત્રિ સુધી આખોય મામલો દબાવવા માટે સ્થાનિક તંત્ર સાથે મથામણ ચાલતી રહી હતી. પરંતુ બાદમાં આ આખાય મામલામાં ચોટીલા પ્રાંત અધિકારીની એન્ટ્રી થતા હવે દબાયેલો મામલો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે કારણ કે જ્યારે ચોટીલા પ્રાંત અધિકારીને શ્રમિકના મોતની જાણ થઈ ત્યારે તુરંત વગડીયા ગામે ચાલતી ગેરકાયદે ખાણ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. એક તરફ રૂપિયાના જોરે શ્રમિકોના મોત જેવી ગંભીર બાબતને દબાવવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ એચ.ટી.મકવાણા જેવા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી મોતનું કારણ જાણવા માટે અને આખાય મામલાને સામે લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે થાનગઢ અને મૂળી ખાતે ચાલતી આ ગેરકાયદે કોલસાની ખાણોમાં મોતનો સિલસિલો અટકે તેવું દૂરદૂર સુધી હાલ નજરે પડતું નથી.
શ્રમિક યુવાનના મોતનો મામલો રૂપિયા પાંચ લાખના વળતરથી દબાવ્યો?
મૂળીના વગડીયા ગામે પૂર્વ સરપંચના પુત્ર ગોપાલભાઈનું કોલસાની ખાણમાં ભેખડ ધસી જતા મોત થયા બાદ તેઓના પરિવારને પાંચ લાખ રૂપિયાનું વળતર આપી મામલો રફેદફે કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
ચોટીલા પ્રાંત અધિકારી ગેરકાયદે કોલસાની ખાણ પર પહોંચી ગયા
વગડીયા ગામે ખાણમાં શ્રમિકની મોત થયાની વિગત મળતા જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા કોલસાની ખાણ પર પહોંચી ગયા હતા અને યુવકના મામલે તપાસ શરૂ કરી હતી જ્યારે ખનિજ માફીયાઓ આ આખોય મામલો દબાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા.
ક્યારે અટકશે શ્રમિકોના મોતનો સિલસિલો ?
તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા ગેરકાયદે કોલસાના કાળા કારોબારમાં દર એકાદ મહિનાના સમય ગાળામાં શ્રમિકોના મોતની વિગત સામે આવે છે પરંતુ આવી ઘટના પછી એકાદ બે દિવસ સુધી તંત્ર હવાતિયાં માટે છે પરંતુ બાદમાં ફરીથી કોલસાની ગેરકાયદે ખાણો શરૂ થઈ જાય છે અને શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત રહે છે.



