સાવધાન, આગળ અકસ્માત થયો છે!
વાઇબ્રન્ટ સમિટમાં પ્રદર્શન માટે મુકાયેલા અનોખા એલર્ટ સિસ્ટમે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું
- Advertisement -
રાજ્યના ઈંઝઈંના તાલીમાર્થીઓ હવે સામાજિક સમસ્યાના સ્માર્ટ ટેકનિકલ ઉકેલો આપી રહ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે આયોજિત ’વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓએ તૈયાર કરેલી ‘ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ’ સમગ્ર પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અદ્યતન સિસ્ટમ ખાસ કરીને હાઈવે પર થતા જીવલેણ અકસ્માતો અને ધુમ્મસને કારણે સર્જાતી ‘ચેઈન ઓફ એક્સિડન્ટ્સ’ને રોકવા માટે તૈયાર કરવામાં આવી છે. અકસ્માત થતાંની સાથે જ આ સિસ્ટમ 5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા અન્ય વાહનોને ત્વરિત સૂચના મોકલે છે, જેથી પાછળ આવતા વાહનો ગતિ ધીમી કરી શકે. ૠઙજ અને સેન્સરની મદદથી અકસ્માતનું સચોટ લોકેશન નજીકના પોલીસ સ્ટેશન, 108 એમ્બ્યુલન્સ સેવા અને પરિવારજનોને તુરંત પહોંચી જાય છે. અકસ્માત બાદના પ્રથમ કલાક એટલે કે ‘ગોલ્ડન અવર’માં સારવાર મળવાથી માનવ જિંદગી બચવાની શક્યતા અનેકગણી વધી જાય છે. સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર દિવ્યાંગ જે. શાહના માર્ગદર્શન હેઠળ ડી.એમ. ચુડાસમા અને એન.એમ. બેલીમની ટીમે આ સિસ્ટમ વિકસાવી છે. નોંધનીય છે કે, આ ઇનોવેટિવ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાની ટેકનિકલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ચૂક્યો છે.
રાજકોટના આ પ્રાદેશિક પ્રદર્શનમાં 450થી વધુ સ્ટોલ્સ દ્વારા ગુજરાતની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 20 વર્ષ પહેલાં વાઇબ્રન્ટ ગુજરાતના જે બીજ રોપ્યા હતા, તે આજે યુવાનોના ઇનોવેશન દ્વારા વટવૃક્ષ બની રહ્યા છે. ’સ્કિલ ઇન્ડિયા’ અભિયાનને વેગ મળતા, રાજ્યના આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ હવે સામાજિક સમસ્યાઓના સ્માર્ટ ટેકનિકલ ઉકેલો આપી રહ્યા છે. આ એક્ઝિબિશન માત્ર પ્રદર્શન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને ઉદ્યોગ જગત સાથે સીધું જોડાણ પૂરું પાડે છે. ’લોકલ ફોર વોકલ’ના મંત્ર સાથે આ પ્લેટફોર્મ ગુજરાતના ઉભરતા ઇનોવેટર્સ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું છે.
- Advertisement -
ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં જ તબીબી સારવાર મળી રહેશે
આ પ્રોજેક્ટની સૌથી મહત્વની વિશેષતા તેની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે. એક્સિડન્ટ સર્જાતા જ આ સિસ્ટમ અદ્યતન સેન્સર્સ અને ૠઙજ લોકેશનની મદદથી નજીકના પોલીસ સ્ટેશન, 108 હોસ્પિટલ સેવા અને વાહનચાલકના પરિવારજનોને ઓટોમેટિક મેસેજ મોકલી દે છે. સમયસર મળેલી આ જાણકારીથી ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં જ તબીબી સારવાર મળી રહે છે. જે હજારો માનવ જિંદગીઓ બચાવવામાં પાયારૂપ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં ડી.એમ. ચુડાસમા, એન.એમ. બેલીમ અને તેમની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.



