52માં યુથ ફેસ્ટિવલમાં 33 સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓક્ટોબર માસના અંતે 52મો યુવક મહોત્સવ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધા યોજાશે. જો કે, આ યુવક મહોત્સવનુ નામાભિધાન અને તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીમાં આ માટે મંગળવારે બેઠક મળી હતી.
સ્પર્ધાઓમાં ભાગ લેવા માગતા વિદ્યાર્થીઓની કોલેજ મારફત એન્ટ્રી મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જો કે, આ વખતે પ્રથમ વખત એવું બનશે કે એક જ વર્ષમાં 2 યુવક મહોત્સવ યોજાશે.
વર્ષ 2023નો યુવક મહોત્સવ આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયો હતો તો હવે વર્ષ 2024નો યુવક મહોત્સવ ઓક્ટોબરના અંતે યોજાશે. જો કે, દર વખતે યુવક મહોત્સવમાં ભાગ લેતા વિદ્યાર્થીઓમાં નિરસતા જોવા મળે છે કારણ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ તેમાંથી માંડ 40 જેટલી કોલેજો ભાગ લે છે. વિદ્યાર્થીઓના આકર્ષણ માટે યુનિવર્સિટી દ્વારા જૂની પુરાણી સ્પર્ધાઓની સાથે હાલના સમયને જોડતી ટેકનોલોજી આધારિત અવનવી સ્પર્ધાઓ લાવવામાં આવે તે જરૂરી છે. પરંતુ યુનિવર્સિટીના સ્થાપના કાળથી મોટાભાગે 33 જેટલી સ્પર્ધાઓ યોજાઇ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારા 52માં યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ, શાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ક્વિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, કાર્ટુનિંગ, ચિત્રકલા, કોલાજ, ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબિકલા, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્યસંગીતમાં તાલવાદ્ય અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન વોકલ (સોલો), લોકગીત, ભજન, દુહા છંદ, મિમિક્રી, મૂક અભિનય, સમૂહ ગીત, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, એકાંકી, લઘુ નાટક (સ્કીટ), સમૂહ નૃત્ય, પ્રાચીન રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત અને હાલરડાંની સ્પર્ધા યોજવામાં આવશે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરેલા પરિપત્ર મુજબ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજનાં તથા યુનિવર્સિટી સ્થિત અનુસ્નાતક ભવનોનાં અધ્યક્ષો અને માન્ય સંસ્થાઓના વડાઓને જણાવવાનું ,કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2024- 2025ના વર્ષનો 52મો યુવક મહોત્સવ નક્કી થયેલ છે. જેનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જો કે, આ યુવક મહોત્સવનું નામાભિધાન અને તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
યુવક મહોત્સવમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચનાઓ
યુવક મહોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ કોલેજનું ઓળખપત્ર ફરજિયાત સાથે લાવવાનું રહેશે.
યુવક મહોત્સવમાં જે કોલેજોએ જે વિદ્યાર્થીઓનાં નામ સ્પર્ધા મુજબ મોકલેલ છે તે જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. એન્ટ્રી ફોર્મ જે વિદ્યાર્થીની વિગત કોલેજ/ભવન દ્વારા જે સ્પર્ધામાં નામ દર્શાવેલ હશે તે જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તેમજ તેનાં બદલે અન્ય કોઈપણ વિદ્યાર્થી ભાગ લઈ શકશે નહિ. જો આવું કરવામાં આવશે તો તે વિદ્યાર્થીએ ભાગ લીધેલ અન્ય સ્પર્ધામાંથી પણ બાકાત કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
યુવક મહોત્સવમાં ભાગ લેનાર કોલેજો/ભવનોએ વિદ્યાર્થીઓની સાથે મેનેજર અચુક મોકલવાના રહેશે.
આ પરિપત્ર સાથે એલીજીબિલિટી ફોર્મ વેબસાઈટ ઉપર મુકેલ છે. વિદ્યાર્થી ભાઈઓ-બહેનો વાઈસ એલીજીબિલિટી ફોર્મ ભરવાનું રહેશે. એલીજીબિલિટી ફોર્મમાં દર્શાવેલ ડોક્યુમેન્ટ ફરજિયાત જોડવાના રહેશે.
યુવક મહોત્સવમાં સમૂહ ટીમની સ્પર્ધામાં ભાગ લેનાર કોલેજો/ભવનોએ ખરેખર ભાગ લેનાર વિદ્યાર્થીઓનાં નામની યાદી પત્રક મુજબ જ આપવી.
યુવક મહોત્સવમાં સ્પર્ધકોએ શિસ્તનું પાલન કરવાનું રહેશે. શિસ્તભંગ થયે તમામ સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે અને જરૂરી પગલા લેવામાં આવશે.
યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધકોએ તેમને જે સ્પર્ધામાં ભાગ લીધો હોય તેની જરૂરી સાધન સામગ્રી વિદ્યાર્થીઓએ/કોલેજો/ભવનોએ સાથે લાવવાની રહેશે. તેની વ્યવસ્થા જે-તે કોલેજો-ભવનોના કો-ઓર્ડિનેટરોએ પોતાના વિદ્યાર્થીઓને સાથે રાખી સાધન સામગ્રી અંગે સંકલન કરી જાતે વ્યવસ્થા કરવાની રહેશે.
યુવક મહોત્સવનાં ત્રણ દિવસ દરમિયાન ફક્ત યુવક મહોત્સવમાં ભાગ લેનાર સ્પર્ધક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને સાથે આવેલ કોલેજ/ભવનોનાં કો-ઓર્ડિનેટરને ભોજન યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. ત્રણેય દિવસના પાસ રોજે રોજ આપવામાં આવશે.



