બે વર્ષમાં જૂનાગઢમાં 4728 યુવાનોને રોજગારી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લા કક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ આજ રોજ કારમેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે યોજાયો હતો.
- Advertisement -
અધ્યક્ષીય ઉદ્બોધનમાં ચેરમેન શિશપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનોને રોજગારી મળે અને રાજ્યના છેવાડાના નાગરિકનો વિકાસ થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે. તેમણે મહત્ત્વની વિગત રજૂ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા રોજગાર કચેરી દ્વારા છેલ્લા બે વર્ષમાં 4728 યુવાનોને સફળતાપૂર્વક રોજગારી આપવામાં આવી છે. તેમણે યુવાનોને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારત માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર અને રોજગાર એનાયત પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, જિલ્લાની આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે મહત્ત્વપૂર્ણ એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા રોજગાર અધિકારી એન. જી. કુબાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, ઇન્સ્ટ્રકટરો અને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.



