ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં લમ્પી વાયરસે માથું ઉંચક્યું છે અને રોજેરોજ પશુઓના મોતના આંકડા ચિંતાજનક હદે વધી રહ્યા છે. આ રોગથી પશુઓને બચાવવા જેમ બને તેમ વહેલું રસીકરણ કરવું જરૂરી હોય પરંતુ આ માટે તંત્ર બધી જગ્યાએ પહોંચી ન શકે તે માટે સેવાભાવી સંસ્થા તરીકે મોરબીનાં યંગ ઈન્ડીયા ગ્રુપે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રસીકરણ ઝુંબેશ આદરી છે અને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે અને હજુ વધુમાં વધુ પશુઓના રસીકરણ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ લમ્પી વાયરસના કહેરની વચ્ચે પશુઓને બચાવવા આગળ આવ્યું છે જેમાં મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં અને હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ગૌવંશમાં લમ્પી વાયરસ નામનો ચેપી રોગ ફેલાયેલો છે તેવા વિસ્તારોમાં યંગ ઈન્ડિયા ગ્રૂપના આશરે 100 જેટલા યુવાનો દ્વારા છેલ્લા સાતેક દિવસથી અલગ અલગ ટીમ બનાવી આશરે 6000 કરતા વધુ ગાયો અને નંદીઓને રસી મૂકીને તેમજ દવા આપી ગૌવંશને આ અતિ પીડાદાયક રોગથી બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
સમગ્ર જીલ્લામાં અવિરત રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવશે !
આગામી દિવસોમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબી જીલ્લામાં જરૂરી હોય તેવા દરેક વિસ્તારમાં જઈને ગૌવંશને આ રોગથી બચાવવા રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવશે અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર જીલ્લામાં અવિરત ઝુંબેશ ચલાવવામાં આવશે. પશુ લમ્પી વાયરસથી બચે એ માટે બને તેટલું ઝડપી રસીકરણ કરવું એવા જ હાલ પ્રયાસો ચાલુ હોવાનું જણાવી દરેક લોકો અને સંસ્થાઓ પણ પોતાનો નાગરિક ધર્મ બજાવીને આ સેવાના કાર્યમાં જોડાઈ તેવી યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ અપીલ કરી છે.