ઓલા સ્કૂટરમાં ગેરેન્ટી-વૉરન્ટી છતાં ગ્રાહકોને ખાવા પડે છે ધક્કા
ઓલા સ્કૂટર લેતાં પહેલાં આ જરૂર વાંચી લેજો…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓલા કંપની દ્વારા ગ્રાહક સાથે છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને એક નહીં પરંતુ અનેક ફરિયાદો ઓલા કંપની વિરુદ્ધ ઉઠી છે. ઓલા કંપનીનું ઈલેકટ્રોનિક બાઈક ખરીદનાર ગ્રાહકોને કંપનીનો કડવો અનુભવ થયો છે.
રાજકોટના શાંતિનગર શેરી નં. 4 સેફાયર એલીંગ્સમાં રહેતા ભરતસિંહ જીતુભા ઝાલાએ 11 મહીના પહેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે આવેલા શો રૂમમાંથી ઓલા ઈલેકટ્રીક બાઈક ખરીદ્યું હતું. એક વર્ષની ગેરન્ટી, વોરંટી દરમિયાન ઓલા બાઈકમાં ફોલ્ટ આવતા ગ્રાહક ભરતસિંહ ઝાલાએ એક સપ્તાહ પહેલા શો રૂમનો સંપર્ક કરતા ઓલા બાઈકની વોરંટીમાં ખામી હોવાનું જણાવી નવી વોરંટી નાખવી પડશે તેમ કહ્યું હતું.
- Advertisement -
ઓલા બાઈકની બેટરીની ગેરંટી, વોરંટી હોય જે બદલાવી આપવાની કંપનીની જવાબદારી હોય ઈલેકટ્રીક બાઈક 150 ફૂટ રીંગ રોડ પુનીતનગર ચોક નજીક આવેલા વર્કશોપમાં મૂકાવી દીધું હતું. ત્યારબાદ કંપનીના જવાબદાર અધિકારીઓ અને વર્કશોપના કર્મચારીઓએ ગ્રાહકને ધક્કા ખવડાવવાનું શરૂ કરી દીધુ હતું અને બેટરી બેંગલોરથી મંગાવી પડશે, તેને સમય લાગશે તેવા ઉડાઉ જવાબ આપી ધક્કા ખવડાવી રહ્યા છે.
છેલ્લા એક સપ્તાહથી ધક્કા ખાતા કંપનીમાં અનેક રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ બાબતે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ઓલા બાઈકના ગ્રાહક ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું. આમ આજના આધુનિક ઈલેકટ્રોનિક વાહનોનો રાફકો ફાટી નીકળ્યો છે, પર્યાવરણને બચાવવા માટે ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ ખૂબ વધ્યો છે ત્યારે હરિફાઈના યુગમાં પૂરતી સગવડતા નહીં મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
ગ્રાહકે કંટાળી જઇ OLA સ્કૂટરને ગધેડાં સાથે બાંધી કરાવી પરેડ!
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક વ્યક્તિએ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરથી હેરાન થઈને અલગ રીતે જ વિરોધ કર્યો હતો. બીડ જિલ્લાના સચિન ગિટ્ટેએ એક ગધેડાની પાછળ સ્કૂટરને બાંધીને પોસ્ટર-બેનરની સાથે શહેરના ચારેય બાજુ પરેડ કરીને લોકોને કંપની પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી હતી. એક સ્થાનિક સમાચાર ચેનલ કયતિંઞા મરાઠી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી એક ક્લીપમાં ગધેડો ટુ-વ્હીલર વાહનને ખેંચતો જોવા મળી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, સચિન ગિટ્ટેએ જ્યારે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી કરી હતી, તેના છ દિવસ પછી જ સ્કૂટર બંધ થઇ ગયુ હતું. કંપની સાથે સંપર્ક કર્યા પછી એક ઓલા મિકેનિકે તેના સ્કૂટરની તપાસ કરી. જોકે, કોઈ પણ આને સુધારવા માટે આવ્યું ન હતું. સચિન ગિટ્ટેએ કસ્ટમર કેરને અનેક કોલ્સ પણ કર્યા, પણ કોઈ સકારાત્મક પ્રતિક્રિયા નહીં મળી.
આ જ કારણે, તેણે પોતાના ટુ-વ્હીલર વાહનને એક ગધેડા સાથે બાંધીને બેનરની સાથે તેની પરેડ કરી હતી. તેણે પોસ્ટરમાં લખ્યું કે, આ છેતરપિંડી કરતી કંપની ઓલાથી સાવચેત રહેજો. અન્ય એક પોસ્ટરમાં સચિને લખ્યું કે, ઓલા કંપનીના ટુ-વ્હીલર વાહનો ખરીદી કરતા નહીં. આ વિરોધની સમગ્ર શહેરમાં ચર્ચા થઇ રહી છે અને ત્યારથી જ આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.