સંત દામોદરદાસજીના સ્વપ્નમાં હનુમાનજી આવ્યા કહ્યું કે , હું ચૈત્ર સુદ પૂનમની મધરાતે આ સ્થળે પ્રગટ થઈશ!
રાજકોટ, ભૂરખિયા હનુમાનદાદાના દર્શને ઘણાં લોકો ઘણીવાર ગયા હશે, પણ તેમનો ઈતિહાસ કેટલા લોકો જાણે છે? તમને ખબર છે કે ભૂરખિયા હનુમાનદાદા અહીં કેવી રીતે બિરાજ્યા? ચલો તે અંગે વાત કરીએ, સૌરાષ્ટ્રના સીમાડે વિરમગામ નામનું શહેર આવેલુ છે,આ વિરમગામની ભાગોળે ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં મહંત શ્રી રઘુવીરદાસજીની જમાત હતી, તેમાં 300 જેટલા ખાખી સાધુઓની જમાત હતી. આ જમાત નિશાન, ડંકા, છત્તર, છડી અને ચમર જેવી રાજવી ઠાઠવાળી હતી. તેની પાસે 10 ઘોડા, 25 ઊંટ, અને જાતવંત ઉંચી જાતના ઘોડાઓની પાયગા જેવી રિયાસત સહિત ડેરા તંબુ સમિયાણા, રાવટીઓ લશ્કરી ઢબે ખડી કરી દીધી હતી.મહંત રઘુવીરદાસજી મહાન અને પ્રભાવશાળી સંત હતાં. મહંત રઘુવીરદાસજી રામાનંદી સંપ્રદાયના સુપ્રસિધ્ધ મહાત્મા તરીકે પ્રખ્યાત હતાં. તેમના પરમ શિષ્ય દામોદરદાસજી મહાવીર રામાયણના પ્રખર વક્તા હતાં. આ મહાત્મા દામોદરદાસજી પોતાની સ્વતંત્ર રાવટીમાં એક રાત્રે નિદ્રાધીન હતાં, રાત્રે તેમને એક અદભૂત સપનુ આવ્યું. આ સ્વપ્નમાં મહાવીર, કષ્ટભંજક શ્રી હનુમાનજીના દર્શન થયા, હનુમાનજી તેમને સપનામાં આદેશ આપ્યો કે, સભાડ (હાલનું દામનગર), અને લાઠી વચ્ચે મોટુ જંગલ છે, આ જંગલમાં એક મોટો ટેકરો છે, ત્યાં તમે ચૈત્ર સુદ પૂર્ણિમાની રાતે પહોચી જજો, પૂર્ણિમાની મધરાત એટલે કે રાતે 12 વાગે ત્યાં મારુ પ્રાગટ્ય થશે. (આ વખતે ચૈત્ર સુદ પૂર્ણિમા, અને હનુમાન જયંતિ મંગળવાર તા. 26-4-24 ના આવે છે.) આવો આદેશ આપી હનુમાનજી અંતરધ્યાન થયા, સંત દામોદરદાસજી એકાએક જાગી ગયા, તેઓ આસન પર બેસીને ભગવાન રામ,સીતાજીનું સ્મરણ કરવા લાગ્યા,આમ વિચારો અને રામસ્મરણમાં પરોઢિયુ થઈ ગયુ સૂર્યોદય પણ થઈ ગયો હતો. આથી તેમણે ગુરુદેવ મહંતશ્રી રઘુવીરદાસજી પાસે જઈને પ્રણામ કરીને બેઠા, તેમણે ચોતરફ દ્રષ્ટી કરીને જોઈ લીધુ કે સર્વ સંતસમાજ આવી ગયો છે. દામોદરદાસજીએ ઉભા થઈને ગુરુદેવ તથા સંત સમાજને વંદન કર્યા, ગુરુદેવની આજ્ઞા લઈને તેમણે આવેલા સ્વપ્નની અને હનુમાનજી એ આપેલા આદેશની વાત કરી.જમાતમાંથી છૂટા થવા ગુરુદેવને સવિનય વિનંતી કરી આજ્ઞા માંગી,બીજાથી સંતસમાજ વાકેફ થતાં જ જમાતના મહંત રઘુવીરદાસજી એ શ્રી પંચ (જમાતના આગેવાનો)ને સંબોધી દામોદરદાસજીને જમાતમાં થઈ છૂટા કરવા અંગે ચર્ચા કરી, સૌ સહમત થયા. દામોદરદાસજી ને જમાત તરફથી વિદાયમાન અપાયું વિશેષમાં રઘુવીરદાસજીએ શુભાશિષ આપતા કહ્યું કે, દામોદરદાસજીની વિદાયથી મુઝે એક સુપાત્ર ઔર વિદ્વાન શિષ્ય કે વિયોગકા અનુભવ હો રહી હૈ, મગર સીતારામજીકી કૃપાસે વહ એક શુભકાર્ય કે નિમિત હોકર અપને ધર્મકાર્ય ઉજ્જવલ બનાનેમે કાર્યશીલ હો રહી હૈ,ઈસલિયે મે સગર્વિત ઔર આનંદિત હો રહી હું, મેરા હાર્દિક આશિર્વાદ હૈ કી આપવા કાર્ય શીઘ્રહી સફલ હો. આજસે તુમ્હારી સર્વ રીતિ પ્રગતિ શ્રી સીતારામજી કરેંગે શુભસ્ય શીઘ્રમ્ ભવેત્આ રીતના આશિર્વાદ આપી સફળતા ઈચ્છી. મહાત્મા દામોદરદાસજી સૌની વિદાય લઈ ને નીકળી ગયા,એ જમાનામાં આજની જેમ સુખ સગવડતાવાળી પ્રવાસની કે બસની સુવિધા ન હતી. આથી પગપાળા પ્રવાસ શરુ કર્યો. પ્રવાસ દરમિયાન જ્યા રાત્રી પડે ત્યાં ગામના ચોરામાં મુકામ કરી પ્રાત:કાળ થતા સેવાપૂજાનું નિત્યકર્મ પૂર્ણ કરી પ્રવાસમાં આગળ વધતા હતાં. આમ કરતા કરતા તેઓ વર્ધમાનપૂરી (હાલનું : વઢવાણ) પહોચ્યા, ત્યા ચોકમાં રામજી મંદિરમાં રાત્રી નિવાસ કર્યો. સવારે એક મહાત્મા પાસે લાઠી અને સભાડ(દામનગર) કેમ પહોચવું તેની માહિતી મેળવી. આ માહિતીના આધારે પ્રવાસ કરતા કરતા ચૈત્રમાસ બેસતા સુધીમાં દામોદરદાસજી નિયત સ્થળે આવી પહોંચ્યા, આંકડા,લીમડા અને આવળોના જૂથની ઘાટી ઝાડીમાંથી પસાર થતા મળેલા આદેશ મુજબની મોટા બાવળવાળી ટેકરી ઉપર આવી પહોંચ્યા ટેકરી પરથી રૂડુ મેથળી ગામ જોયું,એકાદ અઠવાડિયુ મેથળી ગામમાં ગાળવાનો વિચાર કરી તેમણે મેથળીના ચોરે નિવાસ કર્યો. ગામલોકોને ચોરે બોલાવી પોતાના આગમનની વિગતો જણાવી, સાથોસાથ હનુમાનજીએ સ્વપ્નમાં આપેલા આદેશની વાત કરી. આ આદેશ મીથ્યા જવાનો નથી એવું ભારપૂર્વક કહ્યું. ગામલોકો દામોદરદાસજીની વાત સાંભળી ખુશ થયા, આમ ત્યા અઠવાડિયુ પસાર કરીને ચૈત્ર સુદ પૂનમ 1642 નો દિવસ નજીક આવતા મેથળીના ચોરેથી દામોદરદાસજીએ ઉઠાવી કષ્ટભંજક હનુમાનજીએ સ્વપ્નમાં આપેલા આદેશવાળા સ્થળે જંગલમાં ઘાટી આવા ટેકરા ઉપર નાની પર્ણકૂટી તૈયાર કરાવી ત્યાં નિવાસ શરુ કર્યો. મહાત્મા દામોદરદાસજી અને મેથળી ગામના ગરાસદારો (લાઠીના રાજવી એ ચારણોને મેથળી ગામ દસોંદી તરીકે પોષણક્ષમ માટે બક્ષીસમાં આપેલું આથી ચારણો મેથળીના મૂળ ગરાસદાર ગણાય છે)
- Advertisement -
આ સ્થાનનું નામ ભૂરખિયા કેમ પડ્યું?
સંત દામોદરદાસજી પણ મસ્ત બનીને પોતાની પ્રિય ધૂન:
સિતારામજીકી જય, પ્યારે રાઘવકી જય,
બોલો કૃપાળુ હનુમાનજીકી જય,જય,જય
ચૈત્ર સુદ 15 નો દિવસ નજીક આવતા દામોદરદાસજી તથા ખેડૂતો અને કપોળ વણિકનું કુટુંબ (પારેખ) ચૈત્રી પૂર્ણિમાની રાહ જોતા હતાં. આ વાતની જાણ આજુબાજુના ગામો જેવાકે, સભાડ (દામનગર), ભીંગરાડ, આંસોદર, રસનાળ, અને લાઠીના ગ્રામવાસીઓને થઈ હતી. તેથી તે સર્વે પણ હનુમાનજીના પ્રાગટ્યની આતુરતાથી રાહ જોતા હતાં. આ વાવડ લાખેણાના રાજવી મોટા લાખાજીરાજને થઈ, આથી તેઓ પણ રથ જોડીને દામોદરદાસજીના દર્શને જઈ આવ્યા, લાઠીની જનતા કષ્ટભંજન હનુમાનજીના પ્રાગટ્યના દર્શન કરવા ભજનમંડળીઓ સાથે ભજનની રમઝટ બોલાવતી હાજર થઈ ગઈ હતી. સમયને જતા વાર ન લાગી,વિક્રમસંવત 1642ના ચૈત્ર સુદ પૂનમનો શુભ દિવસ આવ્યો, આ નિર્જન જંગલમાં જ્યા ઢોર ચરાવનાર ગોવાળ કે રડ્યાખડ્યા વટેમાર્ગુ સિવાય કવચિત જ કોઈ જોવામાં આવતું,ત્યાં આજે માનવમહેરામણ હલક્યો હતો.ભજનમંડળી ભજનની રમઝટ બોલાવતી હતી, તો વળી કોઈ સ્થળે રાસ મંડળીઓ રાસની રંગત બોલાવતા હતી. કોઈ સ્થળે ધૂન મંડળીઓ પ્રભુના નામની ધૂનમાં મસ્ત બની હતી. એક વખતનું ઉજ્જડ જંગલ માનવસમુદાયના પ્રભાવથી જીવંત બનીને ભક્તિભાવની રંગતે રંગાઈને આનંદની હેલીમાં ડૂબ્યા હતું. પૂર્ણિમાનો પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આકાશમાં પ્રકાશી તેના મધુરા શીતલ કિરણોથી રાત્રીના અજવાળી રહ્યો હતો. આમ જંગલનું વાતાવરણ મંગલમય બન્યું હતું. પોતાના ઈષ્ટદેવ કષ્ટભંજક હનુમાનજીના પ્રાગટ્યની ઘડીઓ નજીક આવતા સંત દામોદરદાસજી પણ મસ્ત બનીને પોતાની પ્રિય ધૂન: સીતારામજીકી જય, પ્યારે રાઘવકી જય, બોલો કૃપાળુ હનુમાનજીકી જય,જય,જય ગાતા હતાં.પોતાના હાથમાં રહેલા લોખંડના ચીપીયાના કડામાં ભરાવેલી કડીઓ હાથ વડે ખખડાવી તાલ પૂરી રહ્યા હતાં. બરાબર મધરાત્રીનો સમય થતાં તોપ જેવા પ્રચંડ ધડાકો થયો, ધડાકાના અવાજ સાથે ટેકરી પરનો મોટો બાવળિયો મૂળ સાથે ફેંકાઈને દૂર જઈને પડ્યો. માટીની ડમરીથી આંધી છવાઈ ગઈ, કેટલાક લોકો આમતેમ ભાગવા લાગ્યા, તો કેટલાક મસ્ત બનીને નાચવા લાગ્યા. ફરીથી પૂર્વવત શાંતિ છવાઈ ગઈ, થોડાવખત પહેલા જ્યા મોટો ટેકરો દેખાતો હતો, તે સ્થળ તદન સપાટ ભૂમિ જેવુ જોવા મળ્યું. મશાલોના અજવાળે એક ઊંચા ઓટલા ઉપર સિંદુરથી બંબોળ હનુમાનજીના સૌને દર્શન થયા. સંત દામોદરદાસજીએ હરખઘેલા બની હર્ષાવેશમાં આવીને બુલંદ અવાજે ભૂરખિયા હનુમાનજીની જય*ના જયનાદો કરાવ્યા.હનુમાનજી પ્રગટ થયાની વાત દૂરદૂરના ગામો અને શહેરો નહીં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસરી જતાં સૌ કોઈ ભૂરખિયા હનુમાનજીના દર્શને આવવા લાગ્યા. જનતામાં શ્રધ્ધાની ભાવના જાગૃત થવા લાગી. કારણ કે જે કોઈ પણ વ્યક્તિ જે કાર્ય માટે માનતા કરે કે બાધા આખડી રાખે તુરત જ તેમના કાર્યો સિધ્ધ થવા લાગ્યા.
આ સ્થાનનું નામ ભૂરખિયા હનુમાનદાદા સંત દામોદરદાસજીએ રાખ્યુ છે, ભૂ એટલે પૃથ્વી, ધરતી, જમીન જે કહો તે ચાલે, રખિયા એટલે રખેવાળ, રક્ષક, જોકે ભૂરખિયા હનુમાનદાદા માત્ર જમીનનું જ રક્ષણ કરતા નથી, તેઓ તો જે માંગે ઈ આપે છે, બળ,બુધ્ધિ, વિદ્યા, ધન, કોઈ દીકરા માટે સંસ્કારી નવવધુ માંગે છે, તો કોઈ દીકરી માટે ખાનદાન પરિવારનો જમાઈ માંગે છે, કોઈ સારી નોકરી માંગે છે તો કોઈ સારો ધંધો માંગે છે, આમ જેને જે પસંદ આવે ઈ માંગે છે. ભૂરખિયા હનુમાનદાદા તેને આપે પણ છે. જોકે આ દાદાના સાનિધ્યમાં ધંધો કરનારા રીતસર લૂંટફાટ ચલાવે છે, આ લખનારને તેનો જાત અનુભવ થયો છે, હનુમાન ચાલીસાની ગોરખપુરની બૂક માત્ર પાંચ રૂપિયાની પ્રિન્ટ છે, જે 20 રૂપિયામાં વેચે છે, આ લૂંટ અટકાવવા ભૂરખિયા હનુમાનદાદાના સેવકોએ જાતે આગળ આવવુ જોઈએ, મેનેજમેન્ટ વતી પોતાનો સ્ટોર કરવો જોઇએ. પોતે ધાર્મિક પુસ્તકોનું વેચાણ કરવુજોઈએ, એવુ સજેશન છે.
- Advertisement -



