ધડકન તો ધડકન, હું ચૂકી ગ્યો સાવ તારી તારીફનું પાનું ઉતરવું
વ્હાલી જિંદગી,
- Advertisement -
તું વહેલી સવારે મારા આયખા પર પડેલા ઝાકળના એ ટીપાં જેવી છે જેનાથી હું સુંદર લાગું છું. હું પ્રત્યેક ક્ષણે નવો જન્મ લઈ ફરીથી તારામાં ઊંડે ઉતરી, તારા જ અસ્તિત્વમાં વિલીન થતો એ જીવ છું જેને વારંવાર તારી અંદર ઓળઘોળ થવાનું ખુબ જ ગમે છે. તું મારા આયખાના દરેક ભાગમાં નિરંતર વિસ્તરતી જતી ભવ્યાતિભવ્ય અડિખમ ઈમારત છે જેના ટેકે હું સલૂકાઈથી મારા જીવનને વિતાવી શકું છું. તારી દરેક અદાનો હું દિવાનો છું. તારી સાથેના પ્રત્યેક સમયને મારે વશ કરવો છે કારણ કે તું દિવ્ય છે અને એ દિવ્યતાને મારી ભીતર ધરબાવેલી રાખવી છે. જિંદગી! હું તને ખુબ જ ચાહું છું કારણ કે મારા જીવનના દરેક ખૂણાને તું અજવાળે છે. એ અજવાળાના કાંઠે જ હું તને પ્રાપ્ત કરી મારામાં મોતી જેમ પરોવી લઉં છું, પછી મારું આખું જીવતર અજવાળાનો અવસર બનીને મહોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે. વૈશાખ મહિને આંબે બેઠેલી શાખ જે રીતે મઘમઘતી હોય છે એવું જ તારા સામીપ્યનું છે.
આંબા પર બેઠેલી કોયલ રોજ મીઠો ટહૂકો કરી જાય છે એમ જ તારો સહવાસ અને સ્પર્શ મારી અંદર ટહૂકાનો સામો પ્રત્યુત્તર આપે છે. હું તને હળવેથી સ્પર્શી કોયલની ચાંચ જે રીતે કેરીના ગરમાં જઈ રસતરબોળ થઈ જાય – બિલકુલ એવી જ રીતે તારામાં ઊંડે ઊંડે ઉતરી જાઉં છું. પછી તારી સઘળી મીઠાશ મારામાં નખશિખ ઉતરી આવે છે અને રસની એક મીઠી નદીમાં આપણે બંને સતત તર્યાં કરીએ છીએ. જિંદગી! તું ગળતી રાતનો ઉતરેલો થાક છે. પ્હો ફાટતાં જ નવી તાજગી ભરી દેનાર ઝાકળના અમૃતબિંદુથી ધરતીપુત્ર રાજી થાય એવી જ રીતે હું તારા સાંનિધ્યથી અત્યંત હરખાઈ જાઉં છું. શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો ચમકારો થઈ તું મારા રોમ રોમમાં વહી જાય ત્યારે મારી અંદર ઉછરતું બાળક આનંદમાં આવી જઈ કૂદવા લાગે છે. તું ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલું મારું એ વરદાન છે જે મને સતત જીવતો રાખી રહ્યું છે. જિંદગી! હું તને કેમ સમજાવું કે તું મારા માટે શું છે? તું સતત નસે નસમાં વહેતું એવું રુધિર છે જેનાથી મારા શ્વાસ ચાલે છે. તને ભરપૂર જીવી જવાના અને રાજી થવાના મારી પાસે કરોડથી ય વધારે કારણો છે અને દરેક કારણ ખાસ છે. ઘણી વખત કોઈ ન ગમતી ક્ષણે એવું પણ બને કે જીવવું અકારું થઈ પડે એવા સમયે પણ હું તને ચાહવા માટે તત્પર થઈ ઊઠું ત્યારે સમજાય છે કે તું ખરેખર અમૂલખ છે. તને નિરંતર ચાહવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે એ ઘડી પણ મારા માટે અતિ રળિયામણી.
તને અવિરત ચાહતો…
જીવ.