ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓએ મુહૂર્ત સાચવીને કાર્યભાર પણ સંભાળી લીધો છે. એવામાં હવે ગુજરાતના નવા પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ નવા પ્રોટેમ સ્પીકર બન્યા છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે. સામાન્ય રીતે પ્રોટેમ સ્પીકરનું કામ નવા સભ્યોને શપથ લેવડાવવાનું અને સ્પીકર (વિધાનસભા અધ્યક્ષ)ની પસંદગી કરવાનું હોય છે. હવે તમારામાંથી ઘણાને થોડી મૂંઝવણ હશે કે પ્રોટેમ સ્પીકર કોણ હોય છે? તેઓ વિધાનસભાના અધ્યક્ષ પસંદગી કેમ કરે છે? આ લેખમાં અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
- Advertisement -
પ્રોટેમ સ્પીકર એટલે શું?
પ્રોટેમ (Pro-tem) એ લેટિન શબ્દ પ્રો ટેમ્પોર (Pro Tempore)નું સંક્ષિપ્ત રૂપ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે – ‘થોડા સમય માટે’. પ્રોટેમ સ્પીકર થોડા સમય માટે રાજ્યસભા અને વિધાનસભામાં કામ કરે છે. પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિ હોય છે જે વિધાનસભા અને લોકસભાના અધ્યક્ષ પદ પર થોડો સમય કામ કરે છે. તે કામચલાઉ હોય છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમની નિમણૂક ત્યાં સુધી હોય છે જ્યાં સુધી વિધાનસભાના કાયમી અધ્યક્ષની પસંદગી ન થાય. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને માત્ર પ્રોટેમ સ્પીકર જ શપથ અપાવે છે. શપથવિધિનો સમગ્ર કાર્યક્રમ પ્રોટેમ સ્પીકરની દેખરેખ હેઠળ થાય છે.
પ્રોટેમ સ્પીકરનું કામ
1. નવા સભ્યોને શપથ લેવડાવવી.
2. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી હાથ ધરવી.
3. ફ્લોર ટેસ્ટ કરવાનું કામ કરવું.
4. સ્થાયી સ્પીકર ચૂંટાય ત્યાં સુધી ગૃહની ગતિવિધિઓઓ ચલાવવી.
5. ગૃહની કામગીરીને સુચારૂ રીતે ચલાવવાનું કામ.
પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ
પ્રોટેમ સ્પીકરના પદ પર ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને ચૂંટવામાં આવે છે. જે ગૃહમાં નવા અને સ્થાયી સ્પીકરની પસંદગી કરવામાં મદદ કરે છે. પ્રોટેમ સ્પીકર એવી વ્યક્તિને જ બનાવવામાં આવે છે જેઓ ઘણી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય. ભારતના બંધારણના અનુચ્છેદ 180 હેઠળ રાજ્યપાલની પાસે ગૃહના સ્પીકરની પ્રોટેમની નિમણૂક કરવાની સત્તા હોય છે. જ્યારે ગૃહ નવા સ્પીકરની પસંદગી કરે છે, ત્યારે પ્રોટેમ સ્પીકરનું પદ અસ્તિત્વમાં રહેતું નથી. તેથી જ પ્રોટેમ સ્પીકરનું પદ કામચલાઉ છે, જે માત્ર થોડા દિવસો માટે જ અસ્તિત્વમાં રહે છે.