દાન કદી ફરજીયાત ન હોય, આ તો ખંડણી છે…
રાજકોટની સિવિલ હૉસ્પિટલ ફરી એકવાર ડૉનેશન મુદ્દે વિવાદમાં ઘેરાઈ
- Advertisement -
ડોનેશન લઈ શકીએ તેવો સરકારનો પરિપત્ર છે પરંતુ તે અમે ન આપી શકીએ: સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.મોનાલી માંકડિયા
મેડિકલ સ્ટોર કૌભાંડ, જ્યુસ સેન્ટરની લાગતા વળગતાને ફાળવણી અને હવે યલો ફીવરમાં ફરજીયાત ડોનેશન
વોર્ડમાં દિવાલ પર વૅક્સિન લેવા માટે દર બુધવારે રોકડા રૂા.1575 લઇ આવવા બોર્ડ લગાવાયું છે!
- Advertisement -
દક્ષિણ આફ્રિકાના દેશોમાં જવા માટે યલો ફીવર વેક્સિન લેવી ફરજીયાત હોય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે આજે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકાના દેશોમાં જવા માટે યલો ફીવર વેક્સિન લેવી ફરજીયાત હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ પાસેથી ફરજીયાતપણે ડોનેશનના પૈસા ઉઘરાવે છે. યલો ફીવર વેક્સિનની ફી માત્ર 75 રૂપિયા જ છે પરંતુ સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દી પાસેથી 1575 રૂપિયા ઉઘરાવી રહ્યા છે જ્યારે 1500 અને 75 રૂપિયાની અલગ અલગ રસીદ આપવામાં આવે છે જેમાં 75 રૂપિયા યલો વેક્સિનની અને 1500 રૂપિયા ડોનેશનની રોગી કલ્યાણ સમિતિની રસીદ અપાય છે જ્યારજ્યારે આ વિશે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયાને આ બાબતે પૂછવામાં આવ્યું તો એવું કહ્યું છે કે, અમારી પાસે સરકારી પરીપત્ર છે પરંતુ અમે તે આપી ન શકીએ. જ્યારે રેસીડેન્સ મેડિકલ ઓફિસર ડો.હર્ષદ દુસરાએ ટેલિફોનિક વાતચીતમાં કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા ત્યારે સવાલ એ થાય કે, આવો ખરેખર સરકારી પરીપત્ર છે કે કેમ…?
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં અગાઉ અનેક ફરિયાદો અને વિવાદોમાં સપડાઈ છે. થોડા સમય પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની ખરીદીમાં કરોડોના કૌભાંડનો મામલો બહાર આવ્યો હતો. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની મુલાકાત દરમિયાન સ્ટોર ઈન્ચાર્જ જે.કે. નથવાણીએ રૂ. 20 કરોડના બિલો પર સહી કરવાનું કહ્યું. જો કે, બિલોમાં અનિયમિતતા દેખાતાં કમિશનરે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. સ્ટોર ઇન્ચાર્જ જે.કે. નથવાણીને ફાઈલ લઈને ગાંધીનગર ખાતે બોલાવીને તપાસ કરવામાં આવી, જેમાં ગોટાળો ખુલ્યો. આના પગલે તેમની તાત્કાલિક બદલી કરવામાં આવી. હજુ પણ બે અન્ય કર્મચારીઓ પર તપાસની તલવાર લટકી રહી છે, જેથી વધુ કાર્યવાહીની અપેક્ષા છે. 4 સપ્ટેમ્બરે આરોગ્ય કમિશનરની મુલાકાત વચ્ચે હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જ્યુસ પાર્લરના ટેન્ડરની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વકીલ કપિલ સાકરિયાએ આક્ષેપ કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયા અપારદર્શક રીતે બંધ બારણે કરવામાં આવી છે. અને ટેન્ડર લાગતા-વળગતા લોકોને ફાળવી દેવામાં આવ્યું હતું. આ મામલે તપાસની માગણી કરવામાં આવી છે.



