ખાસ-ખબર સંવાદદાતા
ભારતે વેસ્ટ ્ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશાનને ટેસ્ટ કેપ આપી હતી. ડોમિનિકા રિપબ્લીકના રોઝોમાં પ્રથમ ટેસ્ટ શરુ થાય તે પહેલા નાનકડી સેરેમની યોજાઈ હતી, જેમાં ભારતના બંને યુવા ખેલાડીઓની ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે પણ એલિચ એથાન્સેને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સમાવ્યો હતો.
જયસ્વાલ ભારતને 306 નંબરનો અને કિશન 307 નંબરનો ટેસ્ટ પ્લેયર બન્યો હતો. ઝારખંડના વિકેટકિપર બેટ્સમેન ઇશાન કિશનને ટીમ ઈન્ડિયામાં કે.એસ. ભરતના સ્થાને તક આપવામાં આવી હતી. જ્યારે મુંબઈના જયસ્વાલને ઓપનિંગમાં ઉતારવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. ઓપનર શુબ્મન ગીલ હવે વન ડાઉન ઉતરશે.
કેપ્ટન રોહિત શર્માએ ટોસ વખતે કહ્યું હતુ કે, આ બંને ખેલાડીઓ ટેસ્ટ પ્રવેશનો આનંદ માણે તે જરુરી છે. તેમણે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તેઓ થોડી રાહત અનુભવે અને પ્રથમ ટેસ્ટને યાદગાર બનાવે.
- Advertisement -
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં કેપ્ટન રોહિતની સાથે જયસ્વાલ, ગીલ, કોહલી, રહાણે, કિશન, શાર્દૂલ ઠાકુર, અશ્ર્વિન, જાડેજા, સિરાજ અને ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવનમાં ક્રેગ બ્રાથવેઈટ, તાગેનારાયણ ચંદરપોલ, રેઈફેર, બ્લેકવૂડ, એથાન્સે, ડા સિલ્વા, હોલ્ડર, કોર્નવેલ, જોસેફ, રોચ અને વારીકેન સામેલ છે.