બાકી રહેલું 15થી 20 દિવસનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે: મેયર
ભૂતકાળની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ અધિકારીઓને સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યાજ્ઞિક રોડ પર થતા ગણેશ મહોત્સવમાં બે વર્ષ પહેલા દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ સર્વેશ્વર ચોકમાં વોકળાના કામ શરૂ કરાયું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ગણેશ મહોત્સવ પહેલા એટલે કે 27 ઓગસ્ટની પહેલા જ પૂર્ણ કરી યાજ્ઞિક રોડને ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવનાર હોવાનું મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું છે.
27 ઓગસ્ટ પહેલા કામ પૂર્ણ કરવા આદેશ આપ્યા છે: રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ સર્વેશ્વર ચોક પર ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન જણાવ્યું હતું કે, આ સર્વેશ્વર ચોકના વોકળાનું કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે.
- Advertisement -
બાકી રહેલું 15થી 20 દિવસનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. 27મી તારીખથી ગણેશ મહોત્સવ શરૂ થવાનો છે, અને અહીં સર્વેશ્વર ચોકમાં ગણપતિની સ્થાપના થતી હોય અધિકારીઓને યુદ્ધના ધોરણે રાત-દિવસ કામ કરી આ કામ 27 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવાનાં આદેશો આપ્યા છે.
ભૂતકાળની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સૂચના અપાઈ મેયરે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં જે દુર્ઘટના બની હતી તે ફરી ન બને તે માટે તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. હાલ બાકી રહેલા કામમાં જ્યાં-જ્યાં જાળીઓ નાખવાની છે અને પતરાં લગાવવાના છે તે કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે સ્થળ પર અધિકારીઓ અને એજન્સીને સૂચના આપી દીધી છે કે નાની-મોટી જે પણ ક્ષતિઓ રહી ગઈ હોય તેને ત્વરિત સુધારી લેવામાં આવે. આ પ્રોજેક્ટમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા અને માર્ગનું નવીનીકરણ પણ સામેલ કરવામાં આવ્યું છે.