રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જનતા જોગ જાહેરનામું પ્રસિદ્ધ
નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર હયાત વોંકળાનું ડાયવર્ઝન કરી નવું બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરાશે: લોકોને પરેશાની ભોગવવી પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના હાર્દસમા ડો.યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકના નાળા પરનો ભાગ ધરાશાયી થયા બાદ આ ચોક અને રોડને જોડતા હયાત વોંકળાનું ડાયવર્ઝન કરી નવું બોક્સ કલવર્ટ બનાવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સર્વેશ્વર ચોક પાસેનું કામ પૂર્ણતાની નજીક છે અને હવે ટૂંક સમયમાં નાગરિક બેંક પાસે ડો.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું હોય સર્વેશ્વર ચોક પરના રોડ પર વાહનોના આવન જાવન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે અને આ માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
શહેરના આ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાંથી દરરોજ અંદાજે 30 હજાર જેટલા વાહનો પસાર થાય છે અને આગામી ચાર મહિના સુધી આ માર્ગ બંધ રહેશે. પોલીસ કમિશનર દ્વારા આ અંગેનું જાહેરનામું તા.4 એપ્રિલના પ્રસિદ્ધ કરી દેવાયું છે. મહાનગર પાલિકા આગામી દિવસોમાં આ માર્ગ પર પતરાં બાંધી રસ્તો બંધ કરી દેશે અને જાહેરનામાનો ત્યારથી અમલ શરૂ થઇ જશે.
કામપૂર્ણ ન થાય ત્યાં સુધી ડો.દસ્તુર માર્ગ વન-વેને બદલે ટૂ-વે કરાયો યાજ્ઞિક રોડ પાસેનો ડો.દસ્તુર માર્ગ હાલમાં વન-વે છે, પરંતુ સર્વેશ્વર ચોક પાસેનું કામ શરૂ કરાતા યાજ્ઞિક રોડ પરથી વાહન પસાર થતાં બંધ કરવામાં આવ્યા છે ત્યારે ડો.દસ્તુર માર્ગને આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ટૂ-વે જાહેર કરવામાં આવ્યો છે.
- Advertisement -
સર્વેશ્ર્વર ચોકની આસપાસની દુકાનો-ઓફિસના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરાશે જાહેરનામામાં દર્શાવાયું હતું કે, સર્વેશ્વર ચોક ખાતે આવેલ બંને સાઇડના રસ્તા પર 50-50 મીટર રોડ બંધ કરવામાં આવશે એના સિવાય યાજ્ઞિક રોડ ઉપર વાહનોની અવરજવર ચાલુ રહેશે. સર્વેશ્વર ચોકની આસપાસની દુકાનો અને ઓફિસના વાહનધારકોના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.
ડો.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ જતાં તમામ પ્રકારના વાહનો ડો.દસ્તુર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઇ મહિલા કોલેજ ચોક તરફથી કિસાનપરા ચોક થઇને જિલ્લા પંચાયત ચોક તરફ જઇ શકશે. તેમજ રામકૃષ્ણ આશ્રમથી ડો.યાજ્ઞિક રોડ પર હાઇસ્ટ્રીટ બિઝનેસથી ડાબી તરફ સ્વામી વિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં.10 પરથી પસાર થઇ વિરાણી હાઇસ્કૂલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઇને એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ-કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત તરફ જઇ શકશે.
શું હશે રૂટ ?
રૂટ-1 : રેસકોર્સથી માલવિયા ચોક જતા ભારે વાહનો તથા ફોર વ્હિલ માટે બહુમાળી ભવનથી જિલ્લા બેંક ભવન ચોકથી જ્યુબેલી ચોક તરફ અને ત્યાંથી ત્રિકોણબાગ વળીને માલવિયા ચોક પહોંચવાનું રહેશે.
રૂટ-2 : રેસકોર્સથી માલવિયા ચોક થતા 2 અને 3 વ્હિલર વાહનો માટે જિલ્લા પંચાયત કચેરી ચોકથી ફૂલછાબ ચોક ત્યાંથી ભીલવાસ ચોક અને મોટી ટાંકી ચોકથી લીમડા ચોક તરફ વળી માલવિયા ચોકથી યાજ્ઞિક રોડ
રૂટ-3 : યાજ્ઞિક રોડથી રેસકોર્સ વચ્ચે આવવા જવા તમામ પ્રકારના વાહનો માટે યાજ્ઞિક રોડથી ડો. દસ્તુર માર્ગથી ટાગોર રોડ, ત્યાંથી એસ્ટ્રોન ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને ત્યાંથી કિસાનપરા ચોકથી રેસકોર્સ
રૂટ-4 : યાજ્ઞિક રોડથી રેસકોર્સ આવવા જવા તમામ પ્રકારના વાહનો માટે યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે રામકૃષ્ણ નગર શેરી નં.10થી ટાગોર રોડ ત્યાંથી એસ્ટ્રોન ચોકથી મહિલા કોલેજ અન્ડરબ્રિજ અને ત્યાંથી કિસાનપરા ચોકથી રેસકોર્સ
ભારે વાહનો ત્રિકોણબાગ સર્કલ
તરફથી માલવિયા ચોક જઇ શકશે
રેસકોર્સથી માલવિયા ચોક તરફ જતાં મોટર વ્હિકલ જેવા કે, એસ.ટી. બસ, પ્રાઇવેટ લકઝરી, લાઇટ મોટર વ્હિકલ જેવા કે, કાર એમ્બ્યુલન્સ વગેરે વાહનોએ બહુમાળી ભવનથી જ્યુબિલી ગાર્ડન ચોક થઇ જવાહર રોડ પરથી ત્રિકોણબાગ સર્કલ તરફથી માલવિયા ચોક જઇ શકાશે.
ટૂ-થ્રી વ્હિલર ચાલકોએ આટલું ધ્યાન રાખવું
રેસકોર્સથી માલવિયા ચોક તરફ જતાં ટૂ-થ્રી વ્હિલર વાહનચાલકો જિલ્લા પંચાયત ચોકથી ફૂલછાબ ચોક થઇ મોટી ટાંકી ચોક, લીમડા ચોકથી પસાર થઇને ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ પરથી પસાર થઇ માલવિયા ચોક જઇ શકશે.