સામાન્ય સ્થિતિ ધરાવતા દર્દીઓ ખાનગી એકસ-રે માટે 500 ચુકવવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
પાટડી સરકારી હોસ્પિટલ ખાતે એક્સ-રે વિભાગ આવેલો છે વિભાગ સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી જ ચાલુ રહેતો હોવાથી તાત્કાલિક સારવાર અર્થે આવતા દર્દીઓને જ્યારે પણ એક્સ-રેની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે ખાનગીમાં એક્સ-રે કઢાવવા માટે જવુ પડતું હોવાથી એક્સ-રેના 500 રૂપિયા ચૂકવવા સામાન્ય સ્થિતિ ધરાવતા દર્દીઓ મજબૂર બન્યા છે.
પાટડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત અકસ્માતોના બનાવો બને છે ત્યારે હાડકામાં સામાન્ય ઇજાઓ થઈ હોય ત્યારે એક્સ-રેની જરૂરિયાત ઉભી થાય છે. એક્સ રે વિભાગ બંધ રહેતા ન છૂટકે ખાનગી ક્ષેત્રમાં એક્સ-રેના 500 રૂપિયા આપવા મજબૂર બને છે. જેમાં બે દિવસની કમાણી એક્સ-રેમાં જતી રહે છે. લાખોના ખર્ચે મશીન ફાળવવામાં આવ્યું છે. ઉપરાંત એક્સ-રે ટેકનિશિયન પણ પાટડી સરકારી હોસ્પિટલમાં છે. છતાં બપોરે 12 વાગ્યા સુધી જ એક્સ-રે શરૂ રહેતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુ ભાગે એક્સરેની જરૂરિયાત તાત્કાલિક પડતી હોય છે. ત્યારે પાટડી હોસ્પિટલ ખાતે વિભાગ અમુક કલાકો માટે જ ખુલ્લો રહેતો હોવાથી રોષ ભભૂકી ઉઠયો છે. એક્સ રે વિભાગ ઓપીડી દરમિયાન શરૂ રહે ઉપરાંત જ્યારે પણ ઇમરજન્સી જરૂરિયાત ઉભી થાય ત્યારે એક્સ-રે પાડી દેવામાં આવે તેવી માગ ઉભી થઇ છે.



