આઠેક વર્ષ પહેલાં આજની જ તારીખે પબુભા માણેક મોરારિબાપુ પર દ્વારકામાં ઉકળ્યા હતા.આજની તારીખોમાં કાશી સહિત ઘણે સનાતની પીઠાધિશો મોરારિબાપુ પર ઉકાળેલા છે.
મોરારિબાપુ ભલે કહે કે સંવાદના માણસ છે,પણ વિવાદ એમની પહેલી પસંદ છે. અજાણતામાં કોઈ કરે તે ભૂલ અથવા મૂર્ખામી ગણાય. જાણીને કરે ,જે કરવા જેવું ન હોય, બૃહદ સમુદાયની લાગણીથી ભિન્ન હોય, એ કરે એ સામાને મૂર્ખ બનાવી એને લલકારવા બરાબર છે. મોરારિબાપુ બરાબર આમ કરી રહ્યા છે.
ભક્તો બિચારા ભલે લખી ગયા કે ‘રામનામમાં અમે રાતામાતા’ પણ મોરારિબાપુ રામ નામે એક સહિષ્ણુ સમાજને રાતોચોળ થવા ફરજ પાડે છે. નવગ્રહને પાદપંકજ તળે ચોંપી
બેઠેલા રાવણને રામ એક વનવાસી લાગ્યા હતા,ને રામનો તેજોવધ કરવા સીતાહરણ કર્યું એમ જ નવખંડે પોતાની કથા પતાકાઓ ગાડી, ફ્લાવર્સનાં ખાડાંના દર્પ થકી મોરારિબાપુ સનાતનીઓની લાગણી સીતાને કાંધે કરી લે છે, વારંવાર.
- Advertisement -
ત્રણ વિજય કહ્યા છે.શાસ્ત્રાર્થ વિજય, શસ્ત્રાર્થ વિજય અને વિવાદ વિજય. ત્રણેમાં નિકૃષ્ટ વિવાદને કહ્યો છે. મોરારિબાપુ યુક્તિપૂર્વક વિવાદ ઉભો કરી પછી પોતાની તરફના આદર આંચળ હેઠળ સહેલાઈથી સરકી જાય છે. વિજયનો ઉન્માદ અને સામા પક્ષની લાચારી લૂંટી વ્યાસહય સવાર થઈ રહે છે.
કાશી(વારાણસી)માં મોરારિબાપુની કથા ચાલે છે. કથાનો પ્રારંભ થાય એ પહેલાં એમનાં ધર્મપત્ની કૈલાસવાસે ગયાં. સનાતન શાસ્ત્રો મુજબ જન્મ અને મૃત્યુ પછી સૂતક લાગે છે. શાસ્ત્રોએ એનો કાળ નક્કી કર્યો છે.સામાન્યત: એક રાતથી તેર કે સોળ દિવસનું સૂતક હોય છે. આ ગાળામાં ધર્મકાર્ય, યજ્ઞ, પારાયણ, અનુષ્ઠાન, મંદિર પ્રવેશ, વિગ્રહપૂજા ઈત્યાદિ માંગલિક ધર્મકાર્યો વર્જ્ય છે. હા, ઈશ્વર નામ સ્મરણ આવકાર્ય અને આવશ્યક. મોરારિબાપુને સૂતક લાગ્યું. આ ધર્મ રીતિથી મોરારિબાપુ ભલી ભાતે પરિચિત છે. છતાં પણ તેઓ કાશી વિશ્ર્વનાથ મંદિરે ગયા.
મોરારિબાપુએ સનાતન ધનુષભંગ કરી જાણે જયજયકાર કર્યો, ક્ષમાપના કરી પણ ઉપકાર કર્યો હોય એમ
કાશીવિશ્ર્વનાથ મહાદેવનું જળાભિષેક કરી પૂજન કર્યું. મોરારિબાપુએ પોતાને સૂતક લાગેલું છે એ વાત છૂપાવી હશે, તો જ કાશી વિશ્ર્વનાથ મંદિરે એમને પૂજાની પરવાનગી આપી હશે. આ યોગ્ય ગણાય? આ પછી એમણે ‘માનસ સિંદૂર ’ કથા આરંભી.
કાશીના વિદ્વાનો , સનાતની આચાર્યો અને સનાતનીઓ મોરારીબાપુના આ કૃત્યથી આહત થયા. વિવાદ સર્જાયો. વિરોધ થયો. મોરારિબાપુએ સનાતન ધનુષભંગ કરી જાણે જયજયકાર કર્યો. ક્ષમાપના કરી પણ ઉપકાર કર્યો હોય એમ. એમને ખબર હતી કાશીમાં કોઈ પબુભા નથી.
મોરારિબાપુએ ક્ષમાપના કરતાં કહ્યું કે મારા(મોરારિબાપુના ) આ કૃત્યને સાચું ઠેરવવા શાસ્ત્રપ્રમાણ છે પણ હું જાહેર કરતો નથી. બાપ, કાશી તો શાસ્ત્રાર્થની ભૂમિ છે. સનાતનની પરંપરા જ છે કે શાસ્ત્રથી તમારી વાત સાબિત કરો. અષ્ટાવક્રથી આદિ શંકર સુધી બધાં એ શાસ્ત્રથી પોતાનો પક્ષ પ્રસ્થાપિત કર્યો છે. શાસ્ત્રાર્થ વિજયને શ્રેષ્ઠ ગણ્યો છે. મોરારિબાપુએ પોતાની પાસે જે શાસ્ત્રાધાર હોય એ લઈને એમનો વિરોધ કરનાર વિદ્વતજનો, આચાર્યોને પડકારવા જોઈતા હતા. પણ એમણે એમ ન કર્યું. વિવાદ ખડો કરી ખસી ગયા.
સનાતન ધર્મમાં કેન્દ્રીય નિયામક સત્તા (central commanding power /authority)નથી.જે અબ્રાહમીક ધર્મો પાસે છે.એટલે કોઈ ફતવો કે કમાન્ડમેન્ટ શક્ય નથી.શાસ્ત્ર મુજબ ચાલવા ,વર્તવાની ફરજ પાડવાની સનાતનમાં વ્યવસ્થા જ નથી. એ મોકળાશ છે. પોતાના વિવેકથી શાસ્ત્રાજ્ઞા લોપાય નહીં તેમ ચાલવાનો આચાર છે. આ આચાર શીખવનાર અને ઉદાહરણીય બની રહેનાર એ આચાર્ય છે.
મોરારિબાપુએ આ મોકળાશનો દુરૂપયોગ કર્યો. અહીં એ દલિલ કરી શકાય કે મોરારિબાપુ સૂતક-ફૂતકમાં નથી માનતા. કબૂલ.એમને છૂટ છે. પણ એ પોતાના પૂરતી. જે સ્થાન વિશેષ કરોડોની આસ્થા અને એ માન્યતાના સમર્થન વાળું છે ત્યાં એ ન થઈ શકે. પોતાના ઘરે કે નીજ ધામે એ કંઈ પણ કરે , પણ કાશીવિશ્ર્વનાથ મંદિરમાં એમણે નો’તું કરવું જોઈતું. જેમ રાવણે સીતાહરણ નો’તું કરવું જોઈતું એમ.
એમની કથા તો એમના યજમાન ને એમના વચ્ચેનો મામલો ગણાય. ચોક્કસ. પણ અહીં નહીં.એક તો આર્યાવર્ત ની ધર્મ ગાદી સમી નગરી અને તમે વ્યાસ. કથામાં વક્તા વ્યક્તિ નથી રહેતો,વ્યાસ બની જાય છે. વ્યાસને ધર્મ બંધનો છે. એક સામાન્ય નટ જો માલવપતિની શાખ માટે માથું મૂકવા તૈયાર થતો હોય તો બાપુ તમે તો વ્યાસ થયા. પીઠની લાજ અને મર્યાદાને લાત ન મરાય. તમે અહંકારથી કીધું કથા તો કરીશ જ. તમને ખબર છે સનાતનમાં કોઈ રોકનાર નથી. આ બોલો છો ત્યારે તાળીઓનો ગડગડાટ કરનાર ફૂલડાંને ખબર નથી કે ધર્મની હાંસીની તેઓ તરફદારી કરી રહ્યાં છે. બાપુ ,તમે તો ખોંખારી કહી દો છો ‘ના,હું તો ગાઈશ.’
મોરારિબાપુ, તમે સૂતકી થઈ મહાદેવના કરોડો ભક્તોની આસ્થાને ઠેબે મારી,તમે સૂતકી રહી કથાગાન કરી વ્યાસપીઠના પાવિત્ર્યને ખંડિત કર્યું.તમે વિવાદ કરી,વિજય મેળવ્યો.તમે સનાતનને ઉવેખ્યો છે એ યાદ રાખજો.આસપાસની મેદની અને અતિરેકી આદર,પૂજ્યભાવ અને શરણાગતોનો અંબાર સાધુને ચલિત અને પલિત કરે છે. બાપુ, ‘અંતર માનસ’ને પૂછજો, ‘ક્યાં લપસ્યા?’
મછંદરનાથને તો ગોરખે ચેતવ્યા, તમારો કોઈ ગોરક્ષ છે? જય સીયારામ.
(લેખક વરિષ્ઠ પત્રકાર અને
‘નયા પડકાર’ દૈનિકનાં તંત્રી છે)