શ્રાવણ માસના ત્રીજા સોમવારે વિહળશક્તિ ગ્રુપની 251 બહેનો દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતે આવેલી પ્રસિદ્ધ વિસામણબાપુની જગ્યામાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિહળશક્તિ ગ્રુપની 251 બહેનોએ મળીને શિવજીની આરાધના કરી હતી. પૂ. 1008 મહામંડલેશ્વર નિર્મળાબા, ગાયત્રીબા, દીયાબા તેમજ ચુડા અને લાઠી સ્ટેટના રાણી સાહેબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ બહેનોએ પ્રત્યેક દીઠ 108 એમ કુલ 27,108 પાર્થિવ શિવલિંગો બનાવ્યા હતા.
આ શિવલિંગોની વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ, બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સાંજે, આ તમામ શિવલિંગોનું ગોમા નદીના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમથી પાળીયાદ પંથકમાં ભક્તિમય માહોલ છવાયો હતો.



