રાજકોટમાં ટ્વીન ટાવર હોસ્પિટલ માટે સરકારે જમીન ફાળવી, દેશ-વિદેશના વિધાર્થીઓ અને તબીબો રિસર્ચ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વની પહેલી કિડની આકારની કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટમાં આગામી સમયમાં આકાર લેશે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, જેમાં જમીન માપણી કરાતા હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. હોસ્પિટલ સાથે અદ્યતન રિસર્ચ સેન્ટર બનશે કે, જેમાં માત્ર ભારત જ નહીં પણ વિદેશના વિધાર્થીઓ અને તબીબો કિડની માટે અહીં રિસર્ચ કરવા માટે આવશે. આ ઉપરાંત ટ્વીન ટાવર હોસ્પિટલ બનશે જેમાં હેલ્થ એજ્યુકેશન સાથે કિડની બીમારીથી કઈ રીતે અટકી શકાય? તે માટે પ્રિવેશન સેન્ટર પણ બનાવવામાં આવશે.
અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કિડની આકારની ટ્વીન ટાવર બનાવશે. આ પ્રોજેક્ટના પ્રથમ ચરણનું કામ શરૂ થઇ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીના રોગોને લગતી સારવાર આપતી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સફળતાપૂર્વક 21 વર્ષ પૂર્ણ થયા છે. સૌરાષ્ટ્ર વિસ્તારના કિડનીના રોગોની હાલાકીને ધ્યાનમાં લઈ વર્ષ 1998માં ડો. પ્રદીપભાઈ કણસાગરા, સ્વ. દેવજીભાઇ પટેલ, જયંતીભાઈ ફળદુ, રમેશભાઇ પટેલ અને ડો. વિવેક જોશી દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જે અંતર્ગત રાજકોટ સ્થિત બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ, દેશભરમાં નામના ધરાવતી કિડનીના રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.
મુખ્ય દાતા ભગવાનજીભાઈ સવાણી અને દેશ-વિદેશના અનેક દાતાઓના સહકારથી બનેલ આ હોસ્પિટલ ઉત્તમ કક્ષાની સારવાર નજીવા દરે આપી, સેકડો દર્દીઓના આશીર્વાદ મેળવી ચૂકી છે. અદ્યતન ઓપરેશન થિયેટર, 50 જેટલા ડાયાલીસીસ મશીનો, ઉત્તમ કક્ષાની લેબોરેટરી, લેઝર મશીનો, સીટી સ્કેન મશીન, યુરો ડાયનેમિક લેબોરેટરી વગેરે તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર માટે નામના ધરાવે છે. આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદંડ ધરાવતી ટ્રસ્ટની આ એકમાત્ર હોસ્પિટલ છે.
હોસ્પિટલના હાલના ચેરમેન જયંતીભાઈ ફળદુ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને સેક્રેટરી રમેશભાઈ પટેલ તથા ટીમની રાહબરી હેઠળ આ હોસ્પિટલ માત્ર સારવારના બદલે રોગને કેમ અટકાવી શકાય? તે માટે પણ કાર્યરત છે, જે અંતર્ગત ગામડામાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા (પ્લાન્ટ ઇન્સ્ટોલેશન), એનીમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ, કિડની પ્રિવેન્શન પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.