રેખા પટેલ-ડેલાવર (USA)
1995માં મેડીટેશન એટલેકે ઘ્યાન યોગના ફાયદા અને જાગૃતિ વધારવા, લોકોને તેનો નિયમિત અભ્યાસ કરાવવા માટે આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વિશ્વ દિવસમાં સમ્માનિત કર્યો.આ દિવસને સર્વાનુમતે સંમતી મેળવવા ભારત નેપાળ જેવા દેશોની મહેનત ઘણી હતી. કારણ આપણી સભ્યતાનો સિધ્ધાંત છે ” વસુધૈવ કુટુમ્બકમ”
- Advertisement -
ધ્યાન જે આંતરિક સુખને વધારે છે. તન અને મન બંનેના સુખનો વધારો કરે છે. ધ્યાન કરવાની વિવિધ રીતો છે, પરંતુ ધ્યાનનું આવશ્યક ધ્યેય મન અને શરીરને કેન્દ્રિત સ્થિતિમાં એકીકૃત કરવાનું છે. ધ્યાનનો વૈજ્ઞાનિક રીતે પણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે નિકોટિન, આલ્કોહોલ, માનસિક વગેરેમાં રાહત આપે છે. ભાવનાત્મક સંતુલન વધારવા, ઊંધ અને બ્લાપ્રેસરની સમસ્યાઓના નિવારણ માટે, ટૂંકમાં સારીરિક માનસિક સુખ સંતુલન વધારવા ધ્યાન ખુબ જરૂરી છે. આ એક માનસિક વ્યાયામ છે.
ઘ્યાન એટલે નિરાકાર ઈશ્વર સાથેનું જોડાણ, શૂન્યતાનો અનુભવ. શરીર અને મન બંનેનું એક સ્થાને સ્થિર થવું. શરૂઆતમાં કોઈ એક વસ્તુ ઉપર બંધ કે ખુલ્લી આંખે નજર ટકાવી રાખતા ચિત્ત એકાગ્ર થાય છે આમ રોજ કરતા ધીમેધીમે શૂન્યતાનો અનુભવ થાય ત્યારે તેનો સાચો અનુભવ થાય છે. ઘ્યાનથી એકાગ્રતા, શાંતિ સ્થિરતા કેળવાય છે.
હાલનું જીવન એટલે હાંફતી ભાગતી કોલસાથી ચાલતી રેલગાડી. જો સમયસર ઇંધણ મળી જાય તો એ ભખભખ ચાલતી રહે પરંતુ તોય એ તણાવનાં ગોટેગોટા ઉલેચતી જાય છે. આ વધતી જતી કાળાશ એ જીવનનું પ્રદુષણ છે જે સમયાંતરે શ્વાસ લેવા પણ દુર્લભ કરી મુકે છે.
આમાંથી બચવા માટે તકેદારી જરૂરી છે. એ માટે સહુનો ખ્યાલ રાખતા પહેલા સ્વયંનું ધ્યાન રાખવું એટલે ધ્યાન કરતા શીખવું જે મેડીટેશન શીખવે છે. સહુ પહેલા પોતાને પ્રેમ કરો, જાતને વારંવાર કહો હું ખુબ ખુશ છું, તંદુરસ્ત છું. રોજનો અભ્યાસ ખુબ મદદ કરે છે. વિચારોમાં હકારાત્મક વલણ કાયમી સ્થાપિત કરે છે.
ધ્યાનને જીવનની વ્યસ્તતામાંથી એક ઓએસિસ એટલે કે રણદ્વીપ તરીકે જોઈ શકાય. જે થોડો સમય માટે પણ બધી ચિંતાઓથી મુક્ત કરી મનને હકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે છે. શાંતિ આપે, ફરી જીવનમાં ઝઝૂમવા તાકાત આપે છે. પરંતુ આ ત્યારેજ શક્ય બને જ્યારે ધ્યાનને રોજીંદા જીવનનો ભાગ બનાવવામાં આવે.
દરેકને હક છે પોતાના દિવસની 1440 મીનીટો માંથી ફક્ત 15 મિનીટ માટે પોતાના ખુદના આત્મા સાથે જોડાવવાની. આ જોડાણ સકારાત્મકતા વધારે છે તો સાથે નકારાત્મક વિચારોને દુર ધકેલી આત્મવિશ્વાસ તરફ દોરી જાય છે. વધુ સારી કાર્યદક્ષતા માટે તૈયાર કરે છે.
- Advertisement -
ઘ્યાનના ફાયદા જોવા માટે થોડો સમય રાહ જોવી પડે. એ કોઈ દવા નથી કે તરત અસર કરે પરંતુ સમય જતા રોજીંદી ટેવ બનાવતા મળતાં ફાયદા કાયમી હોય છે. માત્ર શાંત બેસી ઓહ્મ કે કોઈ સંગીત સાંભળવું એ યોગ છે એવું નથી. કોઈ પણ સ્થિતિમાં મન શાંત અને સ્થિર રહે તે મેડીટેશન કહી શકાય. સંગીત, રેકી એ બધું મેડીટેશનનો ભાગ છે.
ઘ્યાન શીખવી પડે એવી વસ્તુ છે એ માન્યતાને હું નકારું છું. હા એ શીખવાની ચોક્કસ પદ્ધતિ છે જેમાં મનની એકાગ્રતા માટે શાંત જગ્યા હોવી જરૂરી છે. કારણ સામાન્યપણે આપણા મનને શાંત રહેવાની આદત નથી હોતી. આથી નાની વસ્તુ કે અવાજ તેને ડીસ્ટર્બ કરે છે.અને એકાગ્રતા ધટી જાય છે. ઘ્યાનમાં મન સંપૂર્ણપણે શાંત અને વિચાર્યા વિના હોવું જોઈએ. આ સ્થતિ પ્રાપ્ત કરતા થોડો સમય લાગે છે.
હું મારા અનુભવ પ્રમાણે કહું તો, શરૂઆતમાં એમ પણ બને કે ત્રણ મિનીટ લાંબી લાગે પરંતુ ધીમેધીમે પાંચ મિનીટ દસ મિનીટ અને પછી સમય ભૂલાતો જાય છે અને રોજીંદી પ્રેક્ટિસ પછી મેડીટેશનનો આનંદ વધતો જાય છે.
ધ્યાન કરવાનું શીખ્યા પછીનાં લાભની મને આટલી અપેક્ષા નહોતી. ધ્યાન અને રેકીએ મારા જીવનમાં મોટો ઠહેરાવ લાવી દીધો. પોઝેટીવ ઉર્જા સાથેનું જોડાણ વધારી દીધું. આજે સહેલાઈથી નેગેટીવ અને પોઝેટીવ એનર્જીને અલગ પાડી શકું છું. એનર્જી એટલે આપણી આજુબાજુના બનાવોનો પડતો પ્રત્યાધાત. બહુ ઓછી મહેનતે ના ગમતી સ્થિતિથી દુર રહી શકાય છે. ખોટા તણાવથી મુક્ત રહી શકાય છે. સાથે બહારી ભપકા અને લાલસા પણ ઘટતી જાય છે.
ઘ્યાન વ્યક્તિની રોજીંદી ટેવો ઉપર પણ અસર કરે છે. બોલવું ઓછું અને ચિંતન વધારે છે, જેના કારણે લોકો સાથે મનમેળાપ વધે છે. ટૂંકમાં વ્યક્તિગત સુખ તરફ દોરી જાય છે. બાકી ઘ્યાનને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. આ કોઈ આત્માને પરમાત્મામાં લીન કરવાની વાત નથી. હા આ માર્ગ છે પરંતુ ત્યાં સુધી પહોચવાની આપણી કોઈ તાકાત નથી.
આ માટે સર્વ સુખ દુ:ખનો ત્યાગ કરી નિરંતર ધ્યાનમાં મગ્ન રહેવું પડે છે. જેમાં વર્ષો નીકળી જાય છે, જેને જીવનનું એક માત્ર સાધન બનાવવું પડે છે. પરંતુ એ વાતને સાધકો અને યોગીઓ અમલમાં મૂકી શકે છે બાકી જીવનને પડકારાત્મક પરિસ્થિતિમાં સરળતાથી ચલાવી શકીએ એ માટે ઘ્યાનને રોજીંદા જીવનનો ભાગ બનાવાવો જરૂરી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ) પણ ઘ્યાનના ફાયદાઓને સ્વીકારે છે અને એજ કારણે આજે ઘ્યાન, યોગ મેડીટેશન જેવા શબ્દોને દુનિયા ઓળખતી થઇ ગઈ છે. એથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આજે જાણીતો બન્યો છે.
એક બીજું ઉદાહરણ તરીકે ન્યુયોર્કમાં યુએનના હેડકવાટર્ર ખાતે ખાસ મેડિટેશન રૂમ બનવવામાં આવ્યો છે. આ સાઈલેન્સ રૂમ જેમાં વિશ્વથી દુર રહી વૈશ્વિક શાન્તિ માટે આત્મ નિરીક્ષણ કરવાના હેતુ થી આ રૂમની ગોઠવણ કરવામાં આવી હતી.
આ માટે હવે ટેકનોલોજી પણ ખુબ મહત્વનો ભાગ ભજવી રહી છે. ઓનલાઈન એપ્લીકેશન અને ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા બહુ સહેલાઈથી ઘરે બેસીને મફતમાં આપણા અમય અનુસાર મેડીટેશન શીખી શકાય છે, તો આ શા માટે પ્રયત્ન ના કરવો જોઈએ.
દરેકના ઘરમાં એટલે કે જીવનમાં એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં દુનિયાના કોલાહોલથી દુર એટલે કે અલિપ્ત રહી માત્ર નીરવતામાં જાત માટે થોડી પળો જીવી શકાય. ઓહ્મ શાંતિ.