દૂરંદેશી આયોજન અને મજબૂત આંતરમાળખાકીય સુવિધા થકી કોરોના સામે નાગરિકોને રક્ષણ આપવાની મુખ્યમંત્રીએ વ્યક્ત કરેલી પ્રતિબધ્ધતા
સમર્પિત અને સેવાભાવી લોકોના સમન્વયથી રોટરી ક્લબની પ્રવૃત્તિઓ દીપી ઉઠી છે
- Advertisement -
-મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટ ખાતે રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
રાજકોટ તા. ૫ મે – મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત રોટરી મીડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ સેન્ટર વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં પાંચમી મેના રોજ ઉજવવામાં આવતા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિત્તે પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણતયા સંકલ્પબધ્ધ છે. હાલના કોરોના કાળમાં કોવિડ સેન્ટરોમાં આજના દિવસે કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત નર્સ હેલ્થ વર્કર તથા પાસે વૃક્ષારોપણ કરાવીને રાજ્ય સરકારે આ બાબતની પ્રતિબદ્ધતાનો પુરાવો પૂરો પાડ્યો છે, એમ મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે રાજ્યના નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર દૂરંદેશી આયોજન અને આંતરમાળખાકીય સુવિધા સાથે આગળ વધી રહી હોવાનો ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. અને કોરોનાના ડાયાબિટીસવાળા દર્દીઓમાં જોવા મળતી મ્યુકર માઈકોસીસના ઉપદ્રવને નાથવા માટે રાજકોટ શહેરમાં કરાયેલી જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય લક્ષી કામગીરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી.
રોટરી મિડટાઉન ક્લબ એ સમર્પિત અને સેવાભાવી લોકોનું સંગઠન છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ તમામ પ્રકારની કુદરતી આપત્તિઓમાં રોટરી ક્લબે બજાવેલી સમાજસેવાની મિશાલને અન્યો માટે પ્રેરણારૂપ જણાવી આ સંસ્થાને રાજકોટનું ગૌરવ ગણાવ્યું હતું. નિઃસ્વાર્થભાવે રાજયના નાગરિકોની સેવા કરતી રોટરી મીડટાઉન ક્લબ દ્વારા સંચાલિત અન્ય સેવાઓનો લાભ લેવા તેમણે શહેરના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી દિનેશભાઈ જીવરાજાનીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની પ્રવૃત્તિઓનો ટૂંકો ચિતાર રજૂ કર્યો હતો. મેયર ડો. પ્રદીપ ડવે પ્રાસંગિક પ્રવચનમાં સેન્ટરની સ્થાપના બદલ રોટરી ક્લબને અભિનંદન આપ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સમયે અમલમાં મૂકવામાં આવતા આરોગ્યલક્ષી, પર્યાવરણ સંરક્ષણ તથા અન્ય લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોમાં રોટરી મીડટાઉન ક્લબે આપેલા સહયોગની સરાહના કરી હતી. જરૂરિયાતમંદ નાગરિકોની સેવા કરવાના આશયથી કાર્યાન્વિત કરાયેલા આ સેન્ટરને મેયરશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોનું ઝાડના રોપાથી સ્વાગત કરાયું હતું. લલિતાલય બિલ્ડિંગના આર્કિટેક્ટશ્રી કિશોર ત્રિવેદી અને ઇન્ટિરિયર ડેકોરેટર શ્રી આનંદભાઈ શાહનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. જાણીતા સંત શ્રી યદુનાથજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા રોટરી મિડટાઉન લલિતાલય ડાયાબિટીસ પ્રિવેન્શન અને લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ સેન્ટર વિગતો રજૂ કરતી ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, સંસદસભ્યશ્રી રામભાઈ મોકરીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, ક્લબના સેક્રેટરી શ્રી તપનભાઇ ચંદારાણા, પ્રોજેક્ટ ઇન્ચાર્જશ્રી કલ્પરાજ મહેતા, શહેરના જાણીતા ડોકટર્સ, તથા સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.