8મી ઓકટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ભારતના વર્લ્ડકપ અભિયાનનો પ્રારંભ થશે: સેમીફાઈનલની બે મેચ મુંબઈ-ચેન્નાઈમાં ફાઈનલ અમદાવાદમાં રમાશે
ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ઓકટોબર-નવેમ્બર માસમાં ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્ડ કપનો ડ્રાફટ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 મી ઓકટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મહામુકાબલો રમાશે. પાકિસ્તાન પાસેથી આઈસીસીએ વર્લ્ડકપ રમવા માટે ભારત આવવા કોઈ શરતો નહી મુકવાની બાહેંધરી મેળવી હોવાથી પાકિસ્તાનને ઝુકવાની ફરજ પડી હતી.
- Advertisement -
બીસીસીઆઈના ડ્રાફટ કાર્યક્રમ મુજબ 8મી ઓકટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલીયા સામેની મેચથી ભારત તેના વર્લ્ડકપ અભિયાનનો આરંભ કરશે અને તેના એક સપ્તાહ બાદ એટલે કે 15 મીએ ભારત તેના કટ્ટર હરીફ ગણાતા પાકિસ્તાન સામે અમદાવાદમાં વર્લ્ડકપનો હાઈ વોલ્ટેજ જંગ ખેલશે.
સોમવારે બીસીસીઆઈ દ્વારા આઈસીસીને આ ડ્રાફટ કાર્યક્રમ મોકલવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં આઈસીસી દ્વારા વર્લ્ડ કપ કાર્યક્રમની સતાવાર જાહેરાત થવાની સંભાવના છે.સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મુંબઈ અને ચેન્નાઈ બે સેમીફાઈનલ મેચ માટેના સ્થળ તરીકે ફેવરીટ છે.પ્રારંભીક ડ્રાફટ મુજબ 5મી ઓકટોબરથી વર્લ્ડકપનો આગાઝ થઈ શકે છે.અમદાવાદમાં ગત ચેમ્પીયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપનો પ્રારંભીક મુકાબલો યોજાશે. આ ઉપરાંત 19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ યોજાવાની પ્રબળ શકયતા છે.
2011 માં ઘરઆંગણે રમાયેલા વર્લ્ડકપમાં ચેમ્પીયન બનેલી ભારતીય ટીમ 2023 ની આવૃતિમાં કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અમદાવાદ સહીત નવ શહેરોમાં લીગ તબકકાની મેચો રમશે.જયારે પાકિસ્તાન પાંચ શહેરોમાં પોતાની લીગ મેચો રમશે. સંભવીત કાર્યક્રમ મુજબ પાકિસ્તાન 6 અને 12 ઓકટોબરે કવોલીફાયર રાઉન્ડમાં બે ટીમ નકકી થશે તેની સામે હૈદરાબાદમાં રમશે.ત્યારબાદ 20 ઓકટોબરે બેંગ્લોરમાં ઓસી. સામે 23 ઓકટોબરે એ અફઘાનીસ્તાન સામે અને 27 ઓકટોબરે ચેન્નાઈમાં દ.આફ્રિકા તથા 31 ઓકટોએ કોલકતામાં બાંગ્લાદેશ સામે રમશે.રીપોર્ટ મુજબ પાક 5 નવે.એ બેંગ્લોરમાં ન્યુઝીલેન્ડ સામે અને 12 નવે.એ કોલકાતામાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
- Advertisement -
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 29 ઓકટોબરે ધરમશાલામાં જંગ ખેલાશે તેમજ 4 નવેમ્બરે ચેમ્પીયન ઈંગ્લેન્ડ સામે તે આમને-સામને થશે. આઈસીસી વન-ડે વર્લ્ડકપમાં 10 દેશો ભાગ લેશે. આ પૈકી આઠ ટીમો વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મેળવશે જયારે કવોલીફાય રાઉન્ડમાંથી બે ટીમો બાદમાં ઉમેરાશે. વર્લ્ડ કપ મેચનાં આયોજન માટે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, તિરૂવનંતપુરમ, ગુવાહાટી, પુણે, લખનૌ અને ધરમશાળા એમ 11 શહેરોની શોર્ટલીસ્ટ કરવામા આવ્યા છે.