ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના પાટલા ગામ, ભેંસાણ તાલુકા ખાતે આવેલ ઓસ્ટિન ઇન્જિનિયરીંગ કંપની લી. તથા ભાટગામ ખાતે આવેલ વોશીંગ ધાટ શુદ્ધિકરણ યોજનાના અને ચણાકા ગામના જય સરદાર ફુડના શ્રમિકોએ તા.19 જૂને અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા.
- Advertisement -
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુકતની કચેરી દ્વારા સ્વીપ એક્ટિવીટી હેઠળ શ્રમયોગીઓ સાથે મતદાન જાગૃતિ યોજાયો હતો. જેમાં લેબર ઓફિસરે શ્રમયોગીઓને મતદાન એ દરેકનો બંધારણીય અધિકાર છે તથા દરેક શ્રમયોગીઓને પોતાના પરિવારની સાથે અચૂક મતદાન કરવા, મતદાનના દિવસે કર્મચારીઓને મળતી રજા તેમજ મતદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. દરેક શ્રમયોગીઓને આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવી, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમા જાળવી, નિર્ભયતાથી, ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા તેમજ અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય પોતાના નૈતિક મતાધિકારનો ઉપયોગ કરવા બાબતના મતદાન શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને શ્રમયોગીઓ દ્વારા પણ તેઓ અચૂક મતદાન કરશે તેવી પ્રતિબધ્ધતા દર્શાવી હતી.