જુલાઈમાં શરૂ કરાયેલું કામ દિવાળી પછી ફરી શરૂ ન થતાં અનેક સવાલો ઉઠ્યા: તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
લખતર બસ સ્ટેન્ડ ખાતે પ્રોટેક્શન વોલનું કામ છેલ્લા ચાર મહિનાથી અધૂરું પડ્યું હોવાથી સરકારી કામોની ગતિશીલતા પર સવાલો ઊભા થયા છે. ભરચોમાસે જુલાઈ મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજે ચાર મહિના વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી. મહત્વનું છે કે, આ કામ ચોમાસામાં પાણી ભરેલા ખાડામાં પણ શરૂ રાખવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું પૂરું થયા બાદ અને દિવાળી વીતી ગયા પછી પણ આ પ્રોટેક્શન વોલનું કામ ફરી શરૂ થયું નથી. જેને કારણે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. “ગતિશીલ ગુજરાત” વાતો વચ્ચે સરકારનું તંત્ર ચાર મહિનામાં બસ સ્ટેન્ડની એક પ્રોટેક્શન વોલ પણ તૈયાર ન કરી શક્યું હોવાથી સ્થાનિકોમાં તાત્કાલિક અસરથી કામગીરી ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે.



