જુલાઇ-2022માં લોકાર્પણ કરાશે અન્ય 8 પુલનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવા ટાર્ગેટ
બ્રિજ પાછળ 84 કરોડનો ખર્ચ કરાઇ રહ્યો છે, સિવિલ ચોક ખાતે આવેલા પેટ્રોલ પંપના શિફ્ટીંગનો પ્રશ્ર્ન હજુ અણઉકેલ
ખાસ-ખબર સંવાદદાતા
મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં પાંચ બ્રિજના કામ ચાલી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજના કામનો કમિશનર સતત રીવ્યુ કરી રહ્યા છે. આ કામ અન્ય બ્રિજ કરતા પણ પ્રાથમિકતામાં આગળ રાખીને દિવસ-રાત કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ 55 ટકા જેટલું કામ પૂર્ણ થયાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ બ્રિજ પાછળ 84 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સિવિલ ચોક ખાતે આવેલા પેટ્રોલ પંપના શિફ્ટીંગનો પ્રશ્ર્ન હજુ અણઉકેલ છે.
હોસ્પિટલ ચોકનો રસ્તો જામનગર રોડ, રાજકોટ શહેર અને અમદાવાદ હાઇવેને જોડતો માર્ગ છે. આ રસ્તા પર લાઇટ અને હેવી વ્હિકલની ખૂબ અવરજવર હોય છે. આથી જ કેસરી પુલથી આઇપી મીશન સ્કૂલ આગળનો રસ્તો બંધ કરવામાં આવતા હાઇવેનો મોટો ટ્રાફિક ડિસ્ટર્બ થઇ ગયો છે. જામનગર રોડ અને જ્યુબેલી રોડ તરફ આવવા જવા માટે પણ વાહન ચાલકોએ ચક્કર લગાવવા પડે છે. ચોમાસામાં થોડા વિલંબ બાદ આ બ્રિજનું કામ હાલ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે.
આ જોતા આગામી જુલાઇ મહિનામાં એટલે કે તા.19-7-22 આસપાસ આ થ્રી આર્મ બ્રિજ તૈયાર થઇ જશે તેવો કમિશનરે સત્તાવાર જવાબ જનરલ બોર્ડમાં આપ્યો હતો. તા.4-10-18ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
- Advertisement -
પ્રથમ વખતના ટેન્ડર ફેઇલ જતા વધુ પ્રયત્નો બાદ ઓન સાથે આ કામ 84 કરોડમાં આપવામાં આવ્યું છે. સરકારી મિલકતો અને હોટલ જેવી કપાતોમાં લાંબો સમય ગયો હતો. ભૂગર્ભ લાઇનો ફેરવવામાં પણ મોટી કસરત થઇ હતી.
હવે પેટ્રોલ પંપના સ્થળાંતરનો પ્રશ્ન બાકી રહ્યો છે. કપાત બદલાના વિકલ્પ સહિતનો પ્રશ્ન તુરંતમાં ઉકેલાય તેવી તંત્રને આશા છે. પરંતુ હાલ તો ચોકની ત્રણે તરફનો ટ્રાફિક અન્યત્ર ડાયવર્ટ થયો હોય, હજુ એકાદ વર્ષ ટ્રાફિકની અંધાધુંધી થવાની છે તે હકીકત છે.