પુલ તૈયાર કરીને ચીન 200 કિમીનું અંતર ઘટાડી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજુ પણ શાંત નથી થયો. એવા અહેવાલો છે કે પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સોની પાસે ચીન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા નવા પુલને લઇને બન્ને દેશો વચ્ચે તંગદીલી ફરી વધી શકે છે. ઓપન-સોર્સ ઇંટેલિજંસ એનાલિસ્ટ ડેમિયન સાઇમને હાલમાં જ આ પુલની સેટેલાઇટ તસવીરો જાહેર કરીને ચીનની પોલ ખુલ્લી પાડી હતી. આ તસવીરોમાં ચીન પુલ બનાવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
આ પુલની મદદથી ચીન સૈન્ય સામગ્રીઓને વધુ સરળતાથી સરહદે પહોંચતી કરી શકશે જેનાથી ભારતની મુશ્કેલી વધી શકે છે.રિપોર્ટ અનુસાર લેકના ઉત્તરી વિસ્તારમાં રુતોગ સુધી પહોંચવા માટે ચીન આ પુલ બનાવી રહ્યું છે. આ પુલના બની જવાથી રુતોગ સુધી પહોંચવા માટે ચીની સૈન્ય માટે 200 કિમીનું અંતર ઓછુ થઇ જશે.સ્વીડનના ઉપ્સાલા યૂનિ.માં પીસ એંડ કંફ્લિક્ટ રિસર્ચ ડિપાર્ટમેંટના પ્રમુખ પ્રોફેસર અશોક સ્વૈને કહ્યું હતું કે સ્પષ્ટ સંકેતો છે કે ચીનનો આ વિસ્તારમાંથી પાછળ હટવાનો કોઇ જ પ્લાન નથી. ચીન જે વિસ્તારમાં આ પુલ બનાવી રહ્યું છે ત્યાં તેણે 1960ની આસપાસ કબજો કર્યો હતો.ભારતે પણ કહ્યું છે કે ચીન જે વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે તેના પર તેણે 1960થી કબજો કર્યો છે. આ કબજાનો ભારતે ક્યારેય સ્વિકાર નથી કર્યો.
- Advertisement -
ભારત અને ચીન વચ્ચે 20 મહિનાથી પૂર્વી લદ્દાખમાં વિવાદ ચાલી રહ્યો છે.