રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વિસ્તાર કુંભમાં 2300 સ્વયંસેવકોનું વિશાળ એકત્રીકરણ
રાજકોટ મહાનગરની 200 વસ્તિ તથા ઉપવસ્તિમાંથી સ્વયંસેવકો જોડાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્ષ ખાતે ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ યોજાઈ હતો. જેમાં રાજકોટ મહાનગરની 200 વસ્તી તથા ઉપવસ્તીમાંથી આશરે 2300થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે ઘોષ સાથે સ્વયંસેવકોનું પથ સંચલન નીકળ્યું હતું, જેણે અનોખું આકર્ષણ
જમાવ્યું હતું.
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડો. મનમોહનજી વૈદ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે સ્વયંસેવકોને વિવિધ કાર્ય અને ગતિવિધિઓ સાથે સમાજના લોકોને સાથે લઈને ચાલવાની પ્રેરણા આપી હતી.
સ્વયંસેવકોને સંબોધિત કરતાં તેમણે કહ્યું કહ્યું હતું કે આજે સંઘનો કાર્ય વિસ્તાર, શક્તિ અને પ્રવાહ વધી રહ્યો છે. અનેક વિરોધ અને અવરોધ છતાં પણ સંઘનું કાર્ય સતત આગળ વધે છે. આ બધું ક્યારેય રોકાય નહીં, ઝૂકે નહીં, વેચાય નહીં તેવા સ્વયંસેવકોના સમર્પણથી થયું છે.
સમાજમાં સંઘવિસ્તારના ચાર તબક્કાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સંઘને સમાજના વિવિધ ભાગો સુધી લઈ જવા માટે સમયાંતરે ભારતીય મઝદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરે જેવા વિવિધ સંગઠનો શરૂ થયા છે. 35થી વધુ સંગઠનો સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
રેસકોર્સ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મહાનગરના પાંચ વિસ્તારના, 35 નગર, 200 વસ્તી તથા વિવિધ ઉપવસ્તીમાંથી 2300થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. જેમાં 1792 તરુણ, 378 બાલ સ્વયંસેવકો હતા, જ્યારે 130 સ્વયંસેવકો પ્રબંધક તરીકે વ્યવસ્થામાં હતા.
મહત્વનું છે કે ડિસ્પોઝિબલ પ્લાસ્ટિકના ઉપયોગ વગર આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલકજી મુકેશભાઈ મલકાણ, પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી, પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ, પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, વિભાગના અધિકારીઓમાં વિભાગ વ્યવસ્થા પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ધર્મજાગરણ સંયોજક રાજેશભાઈ શિંગાળા, વિભાગ કાર્યકારી સદસ્ય મનીષભાઈ બેચરા વગેરેએ પૂર્ણ સમય ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
રાજકોટમાં આયોજિત સંઘના કાર્ય વિસ્તાર કુંભનું સમાપન પથ સંચલન (માર્ચ પાસ્ટ) સાથે થયું હતું. રેસકોર્સ રીંગરોડ પર સંઘના દસ વર્ષથી ઉપર અને પ્રૌઢ વય સુધીના સ્વયંસેવકો, શિસ્તબદ્ધ હરોળમાં ઘોષ (બેન્ડ)ના તાલ સાથે પરેડ કરતાં નીકળ્યા ત્યારે તેણે લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું.