ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના ચોપાટી મેળામેદાન ખાતે અદ્દભૂત અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યાં છ હજારથી વધુ શહેરીજનો એકત્ર થઈ ’વુમન પાવર’ માનવ સાંકળ રચી અનોખો ઈતિહાસ રચ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાકાય કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ઓફ પોરબંદર, રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર અને એક્સટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. મહિલાઓના સશક્તિકરણ અને સ્વરક્ષણ માટે વિશ્વ રેકોર્ડ સ્થાપવાનું ધ્યેય રાખી, આ વિશિષ્ટ માનવ સાંકળ રચવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં પોરબંદરવાસીઓએ આ ઈતિહાસ રચવામાં પોતાનું યોગદાન આપ્યું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પોરબંદરના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં 12 થી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકી હતી, અને એન્ટ્રી ફી વિનાની હાજરીને કારણે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ માનવ સાંકળને યાદગાર બનાવતા, દરેક ભાગ લેનારને વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું, જેની મદદથી તેઓ પોતાને ગૌરવપૂર્ણ ક્ષણનો હિસ્સો માનશે. કાર્યક્રમમાં તમામ લોકોએ બ્લેક અથવા ડાર્ક બ્લૂ રંગના ટોપ અથવા ટી-શર્ટ પહેરી વિશિષ્ટ એકતા પ્રદર્શિત કરી હતી.