ગવલીવાડ વિસ્તારમાં સર્જાયા ફિલ્મી દૃશ્યો
મહિલા પોલીસ કોન્સ. સોનાબેન મુળીયા તથા શાંતુબેન મુળીયાની ઝાંબાઝીભરી કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
એમ.ડી.ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં સાત મહિનાથી ફરાર નામચીન મહિલાને પકડવા ગયેલી પોલીસની ખાનગી કાર ઓળખી જતાં જ ગુનેગાર મહિલા તેનું એક્ટિવા પુરપાટ ઝડપે હંકારી શેરી-ગલીમાં ભાગી ગઇ હતી, જોકે બે મહિલા કોન્સ્ટેબલે તેની કારમાંથી તાબડતોબ ઉતરી એ જ વિસ્તારના એક એક્ટિવા ચાલકને રોકીને તેનું એક્ટિવા લઇ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો અને અંતે મહિલા બંધ શેરીમાં પહોંચી હતી અને ત્યાંથી ભાગવું તેના માટે મુશ્કેલ બનતા તે ઉભી રહી ગઇ હતી તે સાથે જ તેને ઝડપી લીધી હતી.
બી.ડિવિઝને પોલીસે સાત મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો તેમાં સપ્લાયર તરીકે રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતી સુધા સુનિલ ધામેલિયા (ઉ.વ.39)નું નામ ખુલ્યું હતું. પોલીસ ચોપડે નામ ચડતાં જ સુધા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી અને પોલીસને હાથ આવતી નહોતી.
- Advertisement -
દરમિયાન શનિવારે સાંજે ફરાર સુધા ગવલીવાડમાં તેની પૌત્રીને મળવા આવ્યાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ અન્સારી, હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા અને બે મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળિયા અને શાંતુબેન મુળિયા સ્વિફ્ટ કારમાં ગવલીવાડ પહોંચ્યા હતા, ઘરની બહાર એક્ટિવામાં ઊભેલી સુધાએ સ્વિફ્ટ કાર જોતા જ કાર પોલીસની હોવાની તેને ભનક લાગી ગઇ હતી. અને આરોપી સુધાએ તેનું એક્ટીવામાં શેરી-ગલીઓમાં ભગાવ્યું હતું. પીએસઆઇ અંસારીએ બે શેરી સુધી તો એક્ટિવાનો કારમાં પીછો કર્યો હતો પરંતુ સાંકડી શેરીમાં કાર લઇ જવાનું મુશ્કેલ બનતા પોલીસ એક તબક્કે ઊભી રહી ગઇ હતી.
પરંતુ પળનો પણ વિલંબ કર્યા વગર બંને મહિલા કોન્સ્ટેબલ કારમાંથી ઉતરી ગયા હતા અને ત્યાં નજીકમાં રહેતા રહીશને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તેનું એક્ટીવા લઇ સુધાનો પીછો શરૂ કર્યો હતો. સુધા શેરી-ગલ્લીઓ બદલાવીને ભાગી રહી હતી અને પાછળ બંને મહિલા કોન્સ્ટેબલ ફિલ્મીઢબે પીછો કરી રહી હતી.
અંતે આરોપી સુધા બંધ શેરીમાં પહોંચી હતી અને ત્યાંથી ભાગવું તેના માટે મુશ્કેલ બનતા તે ઉભી રહી ગઇ હતી તે સાથેજ કોન્સ્ટેબલ સોનાબેન અને શાંતુંબેને તેને પકડી લીધી હતી. તે સાથે જ પીએસઆઇ અંસારી સહિતની ટીમ પણ પહોંચી ગઇ હતી. આરોપી સુધા ધામેલીયા અગાઉ મારામારી અને જુગારના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે.