યુવક પર હુમલાના કેસમાં હળવી કલમો લગાવતા મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં બંગડીઓ ફેંકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા તાલુકાના વાવડી ગામમાં એક યુવક પર થયેલા હુમલાના કેસમાં પોલીસની કાર્યવાહીથી નારાજ થઈને 200થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કરજણ બોહકીયા નામના યુવક પર જૂના મનદુ:ખના કારણે 9 શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ આરોપીઓની કાર અને ઘર પરની તોડફોડના CCTV ફૂટેજ પોલીસને આપ્યા હતા. આમ છતાં પોલીસે આરોપીઓ સામે હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને છાવરી રહી હોવાના આરોપ સાથે કોળી-ઠાકોર સમાજની મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં બંગડીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ બાળકો સાથે પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. ધોમધખતા તાપમાં પણ લોકોએ પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.