ખાસ-ખબર સંવાદદાતા
આજનો આધુનિક યુગ ધીમે ધીમે આત્મનિર્ભર બની રહ્યા છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું નસીબ અજમાવી રહી છે. આજે ગામડાની મહિલાઓ પણ આત્મનિર્ભર બની રહી છે. કોઈ ખેતી કામ કરે છે તો કોઈ ઘરે બેસીને કામ કરે છે. જેથી પરિવારને આર્થિક મદદ મળે અને પોતે આત્મનિર્ભર બને. “રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન” (ગછકખ) હેઠળ સ્વ-સહાય જૂથોની મદદથી જરૂરિયાતમંદ મહિલાઓને જોડવામાં આવી રહી છે.ત્યારે ગ્રામીણ મહિલાઓ બેંકમાંથી આવશ્યક ધિરાણ મેળવી આજીવિકાનો આધાર મજબૂત કરીને રોજગારી મેળવી પગભર બની શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા તાલુકાનાં નાના એવા ગુંદાસરી ગામનું “કુંજ ગ્રામ સખી સંઘ”.
આ ગામની મહિલાઓ કૃષિ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સંસાધન એવા રોટાવેટર અને થ્રેસર જેવા મશીનો વિક્સાવી લાખોની કમાણી કરી રહી છે. કૃષિલક્ષી સાધનો લેવાનો વિચાર કઈ રીતે આવ્યો તે અંગે પ્રભાબેને જણાવ્યું કે જુથની સમયાંતરે યોજાતી માસિક બેઠકમાં વિવિધ પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓના મળવાપાત્ર લાભો તથા કૃષિને લગત બાબતોની ચર્ચા સમયે ગામનાં સરપંચ નિકુંજભાઈ સોજિત્રાએ ખેતી માટે ઉપયોગી સાધનો વિશે જરૂરી જાણકારી અને માર્ગદર્શન આપી સાધનો વસાવી સામુહિક મિલકત ઉભી કરવા માટે પ્રેરિત કર્યા હતા.
- Advertisement -
પ્રભાબેન સોજીત્રા સ્વની સાથે સમુહનું મહત્વ સમજાવી પ્રેરણારૂપ બન્યા
“કુંજ ગ્રામ સખી સંઘ”ના પ્રમુખ પ્રભાબેન સોજીત્રા સ્વની સાથે સમુહનું મહત્વ સમજાવી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. સ્વ-સહાય જુથના માધ્યમથી રૂ.5 લાખની કેશ ક્રેડીટ અને રૂ. 2 લાખ 50 હજારનાં કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ થકી અંદાજીત 4-5 લાખ રૂપિયાની કિંમતના વિવિધ કૃષિલક્ષી સાધનો વસાવી સામુહિક મિલકત ઉભી કરી આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરી રહ્યા છે. ભારત કૃષિપ્રધાન દેશ હોવાથી મહત્તમ કુટુંબો ખેતી તથા પશુપાલન જેવા વ્યવસાય સાથે સંકળાયેલ છે.જેમાં મહિલાઓની ભાગીદારી પણ સમકક્ષ છે.ત્યારે આવા બહેનો સ્વ-સહાય જુથોના માધ્યમથી વર્તમાન સમયમાં કૃષિને લગતા વિવિધ કામો કરવાની સાથે સાથે પગભર થઈ આત્મનિર્ભર બની શકે છે.



