શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવેલી, આ વર્તમાન યુગના શ્રવણ સમી દીકરીએ પિતાને 1200 કિલોમીટરની સાઇકલયાત્રા કરાવીને વતન પહોંચાડ્યા
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
કોરોનાનાં કારણે દેશભરમાં લાદવામાં આવેલા લોકડાઉન વખતની આ ઘટના છે. દિલ્હીના ગુડગાવમાં રહેલા બંસીલાલ ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રિક્ષાનો અકસ્માત થતા બંસીલાલ પથારીવશ થયા. 7મા ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની દીકરી જ્યોતિ પિતાનું તમામ રીતે ધ્યાન રાખતી અને સારવાર કરતી. પોતાના અભ્યાસની સાથે સાથે એ પિતાની સેવા પણ કરતી.
- Advertisement -
બંસીલાલ જે મકાનમાં રહેતા હતા એ ભાડાનું મકાન હતું. અકસ્માત થતા રિક્ષાભાડાની આવક બંધ થઈ અને ઉલટાનો સારવારનો ખર્ચો પણ થયો એટલે મકાન ભાડું ન ચૂકવી શકતા સામાન્ય મકાનમાં રહેતા મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું. જો રહેવા માટેની છત જતી રહે તો કિશોરવયની દીકરી સાથે હવે ક્યાં જવું, એ બાબતે બંસીલાલને ચિંતા હતી. દીકરી જ્યોતિએ અન્ય કોઈ આશ્રયસ્થાનમાં રહેવાના બદલે વતનમાં જવાનું નક્કી કર્યું. બિહારમાં આવેલું વતન દરબંગા 1200 કિલોમીટર દૂર હતું.
લોકડાઉનને લીધે સરકારી વાહનવ્યવહાર બંધ હતો. વતનમાં જવા માટે ખાનગી વાહન જ એકમાત્ર વિકલ્પ હતો. બંસીલાલે બિહાર તરફ જતા ટ્રકવાળાનો સંપર્ક કર્યો તો તેણે મજબૂરીનો લાભ ઉઠાવવા ભાડાના 6000 રૂપિયા કહ્યાં. આટલી રકમ એમની પાસે હતી નહીં એટલે નાની દીકરીએ વતન જવા માટેનો બીજો રસ્તો વિચાર્યો. અકસ્માતનો ભોગ બનેલા પિતાને સાઇકલ પર બેસાડીને વતન જવાનું જ્યોતિકુમારીએ નક્કી કર્યું. પિતાએ સમજાવી કે, બેટા, આ કાંઇ 15-20 કિલોમીટર નથી જવાનું પણ 1200 કિલોમીટર દૂર જવાનું છે. એમાં પણ હું તો સાઇકલ ચલાવી શકું તેમ નથી, એટલે તારે મારો ભાર પણ ખેંચવાનો થાય માટે બીજો કોઈ રસ્તો વિચારીએ. 15 વર્ષની દીકરીએ હિંમતપૂર્વક કહ્યું કે, ભલે 1200 કિલોમીટર કાપવાના હોય હું તમને પહોંચાડી દઈશ.
ઘરમાં સાઇકલ પણ નહોતી એટલે 500 રૂપિયામાં સાઇકલ લીધી અને પિતાને પાછળની સીટ પર બેસાડીને 7મા ધોરણમાં ભણતી દીકરી વતન જવા નીકળી પડી. તા. 10મી મેના રોજ એણે યાત્રા શરૂ કરી અને 7 દિવસમાં 1200 કિલોમીટરનું અંતર કાપીને જ્યોતિ એના પિતા સાથે વતનના ગામમાં પહોંચી. દિલ્હીથી નીકળ્યા ત્યારે સાથે માત્ર 600 રૂપિયા હતાં. રાત-દિવસ જ્યોતિએ સાઇકલ ચલાવી. 2-3 કલાક સાઇકલ ચલાવ્યા બાદ રસ્તામાં આવતા પેટ્રોલપંપ પર ઊભા રહીને થોડો આરામ કરી લે અને ફરીથી સાઇકલ ચલાવવા માંડે. રસ્તામાં આવતી રાહત છાવણીઓમાં ભોજન કરી લે અને યોગ્ય જગ્યા મળે ત્યારે થોડી ઊંઘ કરી લે. આવી રીતે મુસાફરી કરીને પોતાના પિતા સાથે આ દીકરી વતનના ગામ પહોંચી ગઈ અને તબીબી તપાસ કરાવીને કવોરંટાઇન પણ થઈ. શ્રવણે માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવેલી. આ વર્તમાન યુગના શ્રવણ સમી દીકરીએ પિતાને 1200 કિલોમીટરની સાઇકલયાત્રા કરાવીને વતન પહોંચાડ્યા.
- Advertisement -
અભાવ વચ્ચે ઉછરેલો માણસ એવી રીતે ઘડાતો હોય છે કે ગમે તેવા સંકટો સામે લડવા માટે એ તૈયાર થઈ જાય. ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ જો માણસનું મનોબળ મજબૂત હોય તો કોઈ વિધ્નો એનો માર્ગ રોકી શકતા નથી.