નવરાત્રિના પ્રથમ દિવસે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
અબતક સુરભી રાસોત્સવમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર માર્ગી પટેલના સૂરથી ગ્રાઉન્ડ ગૂંજતુ રહ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર રેસકોર્સમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અબતક સુરભી દ્વારા ધમાકેદાર રાસોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે ખેલૈયાઓ મા શક્તિની આરાધના કરવા નવરાત્રીના પ્રથમ દિવસે માથે તિલક હાથમાં દાંડીયા અને માતાજીની આરાધના સાથે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ માતાજીની આરાધનામાં મન મૂકીને નૃત્ય કર્યું. માથે તિલક, પરંપરાગત પોશાક અને હાથમાં દાંડીયા સાથે ખેલૈયાઓએ એકરૂપતામાં ગરબા ગાયા. માતાજીના જયઘોષ અને ઢોલના તાલ પર ખેલૈયાઓની ટોળકી મસ્તીમાં ઝૂમી ઉઠી હતી. ગરબાની ધૂન, ઝગમગતા પ્રકાશ અને રંગીન માહોલે આખા મેદાનમાં ભક્તિ અને આનંદનો અનોખો સમન્વય સર્જ્યો.
નવરાત્રિના પ્રથમ દિવસથી જ રાજકોટના ગરબા ગ્રાઉન્ડ્સ પર રોનક જામી છે. માધવરાય સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત ’અબતક સુરભી રાસોત્સવ’માં સિંગર માર્ગી પટેલના ગરબા પર ખેલૈયાઓએ મન મૂકીને ટિટોળાની મોજ માણી હતી. માર્ગી પટેલે જણાવ્યું હતું કે રાજકોટના ખેલૈયાઓનો ઉત્સાહ અનોખો છે અને તેઓ કોઈ પણ ગીત તરત પકડી લે છે. આ ગ્રાઉન્ડ પર આયોજિત લેસર અને ફાયર ક્રેકર શો પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ વર્ષે રાજકોટમાં મંડલી ગરબાનો ક્રેઝ પણ ખાસ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે 12 વાગ્યા પછી પણ ખેલૈયાઓ ઢોલ-નગારા અને શરણાઈના તાલે ગરબે ઘૂમતા જોવા મળ્યા. ગુજરાતની જાણીતી ગાયિકા માર્ગી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 3 દિવસથી તેઓ રાજકોટના ખેલૈયાઓને ગરબે ઘુમાવી રહ્યા છે. આજે તિલક કરી ખેલૈયાઓ મેદાનમાં આવ્યા માતાજીની આરાધના સાથે નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે ખુબ આનંદ આવે છે અને આગળ નવ દિવસ આજ રીતે માતાજીની આરાધના કરીશું અને સાથે ગરબા રમી ખુબ મજા કરીશું. સુરભી રાસોત્સવમાં પ્રથમ નોરતે ભાનુબેન બાબરીયા, જયમીન ઠાકર, ધરમશીભાઇ બેડીયા અને શારદાબેન બેડીયા, સતિષભાઇ મહેતા અને વિજયભાઇ વાળા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



