શિયાળું વાવેતરને માફકસર ઠંડી ન મળતાં ઉત્પાદનમાં અસર થવાની દહેશત ઊભી થઈ
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષની શરૂઆત જ વાદળછાયા વાતવરણ અને માવઠાંથી થઈ છે. બે વખત કમોસમી વરસાદ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં ઘટાડો થયો છે. ભર શિયાળે પણ દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. પરંતુ રવી વાવેતરને માફકસર ઠંડીની હજુ શરૂઆત થઈ નથી. એક તરફ ઉત્તર ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધુ શિયાળુ વાવેતર ખેડૂતોએ કરી દીધુ છે. પરંતુ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો 16થી 17 ડિગ્રીની આસપાસ રહેતાં હજુ ઠંડી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ નથી. પરિણામે ઘઉં, ચણા, વરિયાળી, જીરું સહિતના પાકને જોઈએ તેવી ઠંડી ન મળતાં ઉત્પાદન ઉપર અસર થવાની દહેશત ઉભી થઈ છે. પલટાયેલા વાતવરણને કારણે હાલ ખેતરોમાં ભેજનુ પ્રમાણ વધ્યુ છે અને પરોઢે ઝાકળ પડતાં રાયડો, વરિયાળી, દિવેલા, જીરું સહિતના વાવેતરમાં રોગચાળો આવવાની આશંકા ઉભી થઈ છે. ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને તા.20મી ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂઆત થઈ હતી. આ વર્ષે પણ આ અઠવાડિયાથી તાપમાનનો પારો ગગડવાનો શરૂ થશે અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1167805 હેક્ટરમાં રવી વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી વધુ ઘઉંનુ 3.18 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ, ખાતર અને દવાઓ તેમજ મજૂરીનો ખર્ચ કરી શિયાળુ વાવેતર કરી દીધુ છે. પરંતુ ભર શિયાળે ઠંડીમાં ઘટાડો અનુભવાતાં ચિંતા સર્જાઈ છે. એક તરફ હજુ આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની અને કેટલાક વિસ્તારોમાં વાતાવરણ અસ્થિર થતાં કમોસમી વરસાદની પણ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે ત્યારે ઉત્પાદનમાં અસર થવાની દહેશત ઉભી થઈ છે.
- Advertisement -
મહેસાણા સિવાયના 4 જિલ્લામાં 100 ટકા કરતાં વધુ વાવેતર
ઉત્તર ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં 11.48 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. તેની સરખામણીએ આ વખતે વાવેતર વિસ્તાર વધ્યો છે અને 11.67 લાખ હેક્ટરમાં વિવિધ રવી પાકોનું વાવેતર કરાયુ છે. ઉત્તર ગુજરાતમાં એક માત્ર મહેસાણા જિલ્લામાં અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ 90.93 ટકા વાવેતર થયુ છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 100 ટકા કરતાં વાવેતર કરવામાં આવ્યુ છે. પાટણ જિલ્લામાં 108.54 ટકા, સાબરકાંઠામાં 106.18 ટકા, અરવલ્લીમાં 102.01 ટકા અને બનાસકાંઠામાં 101.53 ટકા વાવેતર ગત તા.16મી ડિસેમ્બર, 2023 સુધીમાં થઈ ગયુ છે.