ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ અને ગિરનાર પંથકમાં છેલ્લા બે દિવસથી સુકુ વાતાવરણ સ્થપાતાં આખરે શિયાળાની ઋતુએ ધીમે ધીમે આગળ ધપવાનું શરૂ કર્યું છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સોમવારે ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ગગડીને 9.8 ડિગ્રી નોંધાયો હતો, જે મોસમની પ્રથમ તીવ્ર ઠંડી હતી. આ સાથે જ જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી રહેતા વ્હેલી સવારે ઠંડીની અસર સ્પષ્ટ અનુભવાઈ હતી.
- Advertisement -
તાજેતરમાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને મગફળી, સોયાબીન સહિતના પાકનો મોંએ આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હતો. જોકે, પાંચ દિવસના માવઠા બાદ વાતાવરણ એકંદરે સામાન્ય થયું છે અને હવે વરસાદની કોઈ સંભાવના ન હોવાથી શિયાળાની ઋતુએ જમાવટ કરવાની શરૂઆત કરી દીધી છે. રવિવારથી જ સુકા વાતાવરણને બદલે ઠંડીએ અસર બતાવતા સોમવારે જાણે શિયાળો બરાબરનો બેસી ગયો હોય તેવી અનુભૂતિ થઈ હતી. હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, શિયાળો શરૂ થઈ ગયો છે અને ધીમે ધીમે ઠંડી વધશે. એટલું જ નહીં, આગામી 10 દિવસ માવઠાની કોઈ પ્રકારની સંભાવના નથી, જેથી ખેડૂતો દ્વારા હવે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય. જોકે, બપોર પહેલા ઠંડી રહ્યા બાદ બપોરે મહત્તમ તાપમાન વધીને 32.1 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન વધવાની સાથે બપોરની હવામાં ભેજનું પ્રમાણ પણ 26 ટકા રહ્યું હતું, જેના પરિણામે ગરમીની તીવ્રતા વધી હતી અને લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે હવે સવારની સાથે બપોર પણ હુંફાળી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.



