સળંગ ત્રીજા દિવસે રશિયાનો યુક્રેન પર મિસાઈલમારો, ચારનાં મોત, પાંચ ઘાયલ
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન પર રશિયાએ સતત ત્રીજા દિવસે બેફામ મિસાઈલમારો કર્યો હતો. એ હુમલામાં ચારનાં મોત થયા હતા અને પાંચને ઈજા પહોંચી હતી. યુક્રેનમાં હાડગાળતી ઠંડી વચ્ચે વીજળીની ગંભીર કટોકટી સર્જાઈ ગઈ છે અને તેના કારણે ચારેબાજું અંધારપટ્ટની સ્થિતિ થઈ ગઈ છે. એ કારણે લોકોની હાલાકી વધી છે. સતત હુમલા દરમિયાન અમેરિકાએ યુક્રેનને સાનમાં સમજાવ્યું હતું કે રશિયા સામે યુદ્ધ જીતવાનું સહેલું નથી. અમેરિકન લશ્કરના વડાએ યુક્રેન-રશિયા વચ્ચે વાટાઘાટોથી વિવાદ ઉકેલવાની ભલામણ કરી હતી.
- Advertisement -
રશિયન સૈન્યએ સતત ત્રીજા દિવસે યુક્રેન પર મિસાઈલમારો ચાલુ રાખ્યો હતો. અસંખ્ય મિસાઈલો છોડીને રશિયાએ યુક્રેનના વીજમથકો, એપાર્ટમેન્ટ્સ, ઈમારતો વગેરે તોડી પાડયા હતા. રશિયન સૈન્યએ યુક્રેનના દક્ષિણમાં આવેલા ઓડેસા પ્રાંત ને તેના નીપ્રો શહેર પર પહેલી વખત હુમલા કર્યા હતા. રશિયાએ મોટા પાયે મિસાઈલ હુમલાં કરતાં યુક્રેનના તમામ નાના-મોટા શહેરોમાં એલર્ટ સાયરન વાગી હતી. યુક્રેનના પાટનગર કિવના અધિકારીએ કહ્યું હતું કે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાની બનાવટના પાંચ ડ્રોન અને બે રશિયન ક્રૂઝ મિસાઈલો તોડી પાડી હતી. રશિયાએ યુક્રેનના ઉર્જા મથકો તોડી પાડયા હોવાથી યુક્રેનના અનેક શહેરોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. વીજ કટોકટી સર્જાતા ચારેબાજુ અંધારપટ્ટ સર્જાયો છે. એક તરફ હાડગાળતી ઠંડી શરૂૂ થઈ ગઈ છે ને બીજી તરફ અંધારપટ્ટ થઈ જતાં લોકોની હાલાકી વધી છે.
હુમલા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘે રશિયન ટીમ સાથે જીનિવામાં અનાજની નિકાસ બાબતે વાટાઘાટો કરી હતી. વિશ્વમાં અનાજની અછત ન સર્જાય તે માટે રશિયા કાળા સમુદ્રના માર્ગે યુક્રેનના ઘઊંની નિકાસ કરવા દે તે માટે વાટાઘાટો થઈ હતી.
બરાબર એ જ વખતે યુક્રેન પર બેફામ મિસાઈલમારો કરીને રશિયાએ મિજાજ બતાવ્યો હતો. યુએને એવી પણ કટિબદ્ધતા બતાવી હતી કે ખેતી ને ખાતરને લગતી રશિયાની નિકાસ પર લાગેલો પ્રતિબંધ યુએન ઉઠાવી લેશે. અગાઉ તુર્કીના ઈસ્તામ્બૂલમાં આ અંગેની વાટાઘાટો યુએન-તુર્કીની મધ્યસ્થીમાં થઈ હતી, પરંતુ તેનું ખાસ પરિણામ આવ્યું
ન હતું.