વિન્ડમિલ અને સોલાર પ્રોજેક્ટ માટે વન વિભાગ દ્વારા NOC અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઉદ્યોગમાં પીજીવીસીએલનો પાવર વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે પરંતુ પીજીવીસીએલ દ્વારા પૂરી પાડવામાં આવતી વીજળી ખુબ મોંઘી હોવાથી ઉત્પાદન ખર્ચ ઉંચો આવે છે જેની સામે ચીનની ઈન્ડસ્ટ્રીઝને તેમની સરકાર દ્વારા સપ્લાય થતો પાવરનો દર આપણા કરતા નીચો હોવાથી ચાઈના સસ્તા દરે ટાઈલ્સ વેચીને મોરબીના સિરામિક ઉધોગને મોટી ટક્કર આપે છે. આ હરીફાઈની દુનિયામાં ટકી રહેવા માટે મોરબીના સિરામીક ઉદ્યોગકારો તેમની પ્રોડક્શન કોસ્ટને નીચી લાવીને ચાઈના સામે વિશ્વના માર્કેટમાં ટકી રહેવા માટે અલગ અલગ પ્રયાસો કરતાં હોય છે તેમ છતાં ચાઈના તેનાથી ઓછા ભાવે ટાઈલ્સ વેચે છે જે મોરબીનાં ઉદ્યોગકારો માટે મોટો પડકાર બને છે.
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વીજળી ખર્ચનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે જેથી ઉદ્યોગકારો તમામ પ્રયત્નો કરતા હોય છે જેમાં પાવર કોસ્ટ નીચી લાવવા માટે વિન્ડમિલ અને સોલાર પ્રોજેક્ટ સ્થાપવા મોરબીના સીરામીક ઉદ્યોગકારો પ્રયત્નશીલ છે જે પૈકી મોરબી સિરામીકની તેમજ અન્ય કંપનીઓ અમરેલી જીલ્લામા વિન્ડમિલ સ્થાપવા માટે તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે તૈયારીઓ કરીને તેમના પ્રોજેક્ટમાં આગળ વધી હતી પરંતુ આ પ્રોજેક્ટ માટે વન વિભાગનું નોન ઓબ્જેક્શન સર્ટીફીકેટ લેવાનુ રહેતુ હોય છે જેના માટે સિરામિક દ્વારા જરૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી હતી અને તેનો બે ત્રણ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં વન વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતું ન હોવાથી મોરબી સીરામીક એસોસિએશન દ્રારા સાંસદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરવામાં આવી હતી જે બાદ આ અંગે સાંસદે ઝડપી એક્શન લીધા હતા અને વન વિભાગ સહિત અન્ય લગત કચેરી સાથે સંકલન કરી વન વિભાગને એનઓસી આપવા સ્પષ્ટ સૂચના આપી હતી જે બાદ વન વિભાગ દ્વારા એનઓસી ઇસ્યુ કરી દેવામાં આવેલ હતી જેથી આ તકે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.