ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના કારણે સમગ્ર વિશ્વમાં અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ગણતરીના દિવસોમાં જ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 120 ડૉલર સુધી પહોંચી ગઈ છે. આ સંકટ અત્યારે દુનિયાને 1973માં આવેલા તેલ સંકટની યાદ અપાવી રહ્યું છે. આ આખા વિવાદનું મુખ્ય કેન્દ્ર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ નામનો એક ચેકપોઇન્ટ છે, જ્યાંથી તેલનો સપ્લાય ખોરવાઈ રહ્યો છે. જો આ યુદ્ધ લાંબું ખેંચાશે, તો વિશ્વ એક મોટી આર્થિક મહામંદી તરફ ધકેલાઈ શકે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: દુનિયાનો સૌથી ખતરનાક ચેકપોઇન્ટ
- Advertisement -
અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, દરરોજ આશરે 20 મિલિયન બેરલ ઓઇલનો સપ્લાય માત્ર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા થાય છે, જે વિશ્વના કુલ વપરાશના 20 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ માર્ગ બંધ થવાથી ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને સૌથી મોટો ફટકો પડશે, કારણ કે તેઓ આ માર્ગેથી આવતા કુલ પુરવઠાનો અડધો હિસ્સો ખરીદે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ ચેકપોઇન્ટ બંધ થશે, તો તે ઇતિહાસની સૌથી મોટી તેલબંધી સાબિત થશે, જેના કારણે 20 મિલિયન બેરલ ઓઇલની સપ્લાય જોખમમાં મુકાશે.
ભારત માટે ચિંતાજનક સ્થિતિ: 85% તેલ આયાત પર નિર્ભરતા
આ વખતનું સંકટ 1973 અને ઈરાની ક્રાંતિ સમયના સંકટ કરતા પણ ઘણું મોટું છે, કારણ કે ત્યારે દુનિયાની તેલની જરૂરિયાત 4થી 6 મિલિયન બેરલ પ્રતિ દિવસ હતી, જ્યારે આજે તે વધીને 20 મિલિયન બેરલ થઈ ગઈ છે. તેલની સાથે સાથે ગેસનો પુરવઠો પણ ખોરવાવાની શક્યતા છે. જોકે, રાહતની વાત એ છે કે સાઉદી અરેબિયા અને અબુ ધાબી(યુએઈ) જેવા દેશો અન્ય વૈકલ્પિક રસ્તાઓથી સપ્લાય ચાલુ રાખી શકે છે, પરંતુ તેનાથી તેલની ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને કિંમતોમાં ધરખમ વધારો થશે. ભારત પોતાની જરૂરિયાતનું 85 ટકા તેલ આયાત કરે છે, તેથી આ સ્થિતિ ભારત માટે અત્યંત ચિંતાજનક છે અને સરકાર સમગ્ર વ્યૂહનીતિ પર સતત નજર રાખી રહી છે.




