પાટીલ રાજકોટનો ગઢ મજબૂત કરી ગયા કે નબળો?
જગદીશ આચાર્ય
એવા સ્પષ્ટ નિર્દેશ મળી રહ્યા છે કે ગુજરાત ભાજપમાં બધું સમુ સુથરુ નથી.દિલ્હીથી સીધાજ બેસાડી દેવાયેલા પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે આવતાવેંત શરૂ કરેલી આકરી ગોલંદાજી પછી ભાજપ બે છાવણીમાં વેંચાઈ ગયું હોય તેવું ચિત્ર સ્પષ્ટ બની રહ્યું છે.એક પાટીલને સમર્થન કરતી અને બીજી તેમની વિરોધી છાવણી.પાટીલ જે રીતે સતા હસ્તગત કરવા લાગ્યા છે અને આદેશો ઉપર આદેશો છોડી રહ્યા છે એ પછી પક્ષમાં એ ચર્ચા છે કે એમના આવા અભિગમને કારણે પક્ષને નુકસાન થશે કે ફાયદો.
નુકસાન-ફાયદા વાળી આ ચર્ચા રાજકોટમાં સહુથી વધારે છે.રાજકોટમાં તો પાટીલે શબ્દો ચોર્યા વગર રૂપાણીને જ લ્હાણે લીધા.હવે રાજકોટના કેસરિયા કાર્યકરો પણ પૂછે છે કે પાટીલભાઉ ભાજપનો રાજકોટનો ગઢ મજબૂત કરી ગયા કે તેઓ કાંગરા ખેરવવા જ આવ્યા હતા?
આવી લાગણી શુ કામ પ્રવર્તે છે એ સમજવા માટે જરા ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે.જનસંઘના સ્થાપનાકાળથી રાજકોટ જનસંઘ અને ત્યાર બાદ ભાજપનો ગઢ રહ્યું છે.આઝાદી પછી દેશમાં કોંગ્રેસ સિવાય કોઈ રાષ્ટ્રીય પક્ષ નહોતો.નહેરુ જેવા કદાવર નેતાની લોકપ્રિયતાની તોલે આવે એવા જૂજ નેતાઓ હતા,ગાંધીજીની હત્યાને કારણે હિંદુ મહાસભા અને આર. એસ.એસ.સામે લોકોમાં રોષ હતો.એવા રાજકીય સામાજિક વાતાવરણ વચ્ચે અખંડ ભારત અને કટ્ટર હિંદુવાદની વિચારધારા સાથે જનસંઘે પા પા પગલી શરૂ કરી ત્યારે નગણ્ય જનાધાર હતો.લોકો ઉપર હજુ ગાંધી વિચારોનો પ્રભાવ હતો.એ સમયે રાજકોટમાં ચીમનભાઈ શુક્લ,કેશુભાઈ પટેલ,અરવિંદભાઈ મણીયાર વગેરે નેતાઓએ જનસંઘનો પાયો નાખ્યો.આ નેતાઓ સાયકલ ઉપર ફરતાં. અનેક ઉપેક્ષાઓ,કટાક્ષ ભર્યા ઉપાલંભો અને નબળા જનપ્રતિસાદ છતાં હતાશ,નિરાશ થયા વગર કે થાક્યા હાર્યા વગર આ નેતાઓ જનસંઘને ઉછેરતા ગયા.
આ નેતાઓએ સતા લાલસાથી પ્રેરાઈને જનસંઘનો ઝંડો નહોતો ધર્યો.ત્યારે તો દૂર દૂર સુધી સતા મળવાની આછી પાતળી સંભાવના પણ નહોતી દેખાતી.આ નેતાઓ જનસંઘ સાથે સતા માટે નહીં પણ વિચારધારાથી જોડાયા હતા.ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવવા લાગી.રાજકોટમાં જનસંઘનું સંગઠન મજબૂત બનતું ગયું.રાજકોટના એક એક વિસ્તારમાં બીજી હરોળના નેતાઓ તૈયાર થવા લાગ્યા.કાંતિભાઈ વૈદ,રમણિકભાઈ વૈદ,વજુભાઇ વાળા, ગોધુમલ આહુજા… આ યાદી ખૂબ લાંબી છે.
- Advertisement -
ચીમનભાઈના નેતૃત્વ હેઠળ ઉમેશ રાજ્યગુરુ,રમેશ રૂપાપરા, કમલેશ જોશીપુરા,કશ્યપ શુક્લ,જીતુ મેહતા,અભય ભારદ્વાજ.(આ યાદી પણ ખૂબ મોટી છે)જેવા લડાયક યુવા નેતાઓની ફોજ ઉભી થઇ.આ યુવાનોએ આંદોલનો કર્યા,પોલીસની લાઠીઓ ખાધી,જેલમાં ગયા અને એમ એ બધાએ ભગવા ધ્વજને ઊંચે લહેરાવ્યો. આ યુવાનો,આ નેતાઓ અને હજારો કાર્યકરોના સંઘર્ષ અને સમર્પણને કારણે પક્ષ આજે જે જાહોજલાલી ભોગવે છે ત્યાં સુધીપહોચ્યો.
આ ટૂંકો ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવ્યો કે આ બધા સંઘર્ષોનું કેન્દ્રસ્થાન રાજકોટ હતું.આઝાદીના છેક 20 વર્ષ પછી એટલે કે 1967માં ગુજરાત વિધાનસભામાં પહેલ વહેલું જનસંઘનું ખાતું પણ રાજકોટે ખોલ્યું હતું.એ બેઠક ઉપર વિજય મેળવીને ચીમનભાઈ શુક્લએ વિજયયાત્રાનો ખીલો ધરબ્યો હતો.
રાજકોટ પહેલેથી ભાજપનો ગઢ રહ્યું છે.નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની પહેલી ચૂંટણી માટે રાજકોટ ઉપર પસંદગી ઉતારી હતી.
દરેક પક્ષમાં જુથબંધી હોય એમાં કાંઈ નવાઈ નથી.સતાની આસપાસ એક ચોકડી પણ હોય.હજારો કાર્યકરો હોય ત્યારે અસંતોષ પણ હોય.પણ આ બધું તો દરેક પક્ષ,દરેક સંસ્થા કે દરેક સંગઠનમાં હોય.રાજકોટ ભાજપમાં પણ એ સ્થિતી હશે જ.પણ આવા મતભેદો,મનભેદો,અસંતોષ અને વાડાબંધી વચ્ચે પણ આ જ નેતાઓ,આ જ સંગઠન,અને આ જ કાર્યકરો વિધાનસભા,લોકસભા અને મનપાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવતા આવ્યા છે.રાજકોટ ભાજપનું સંગઠન વિજયો મેળવવામાં કયારેય પાછું નથી પડ્યું.રાજકોટ ભાજપ સંગઠનને ઝાટકી નાખવાની એવી બધી જરૂર નહોતી.પણ પાટીલ રાજકોટ આવીને સીધા જ રૂપાણી અને એમના ટેકેદારો પર વરસી પડ્યા તેના દેખીતી રીતે જ મુક પણ તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.
રાજકીય પક્ષ એ કોર્પોરેટ કંપની નથી.તેમાં કોઈને કદ પ્રમાણે વધેરવાના હોય તો પણ એ એક્શન જાહેરમાં બખેડો કર્યા વગર લેવાના હોય.પણ અહીં પાટીલે ઊલટું કર્યું.રાજકીય પક્ષમાં ધોકો પછાડીને કામ ન થઈ શકે.કાર્યકરો ધારે તો જીતેલી બાજી ઊંઘી વાળી શકે છે એવું રાજકોટનો જ ઇતિહાસ કહે છે.રાજકોટની બેઠક ઉપર કિરણભાઈ પટેલનો સંસદની ચૂંટણીમાં પરાજય થયો હતો તે ભૂલવા જેવું નથી.
- Advertisement -
ભાજપ શિસ્તબધ્ધ પક્ષ હોવાની છાપ છે.પણ પાટીલે એ આવરણ દૂર કરી દીધું છે.દરિયાના તળિયે બેઠેલું મોજું ઉછળીને સપાટી ઉપર આવે એ રીતે ભાજપના મતભેદો ઉછળીને સપાટી ઉપર આવી ગયા છે.નેટવર્ક સોશિયલ પ્લેટફોર્મ પર ટેકેદારોની સંખ્યા દેખાડવાની જે હોડ જામી તે બતાવે છે કે સામસામી બાંયો ચડવાઇ રહી છે.મર્યાદા રેખા ભૂંસાવાનું શરૂ થવા લાગ્યું છે.પાટીલની ભૂમિકા ભાજપને નડશે કે ફળશે એ તો જો કે ભવિષ્ય જ દેખાડશે.
કાર્યકરો ખુશ હોય તો પણ પાટીલ માટે કપરા ચઢાણ.
પાટીલે નેતાઓને નિશાન ઉપર લીધા એટલે પક્ષના વફાદાર પણ ઉપેક્ષિત કાર્યકરો બેશક ખુશ થયા છે. પણ પાટીલ માટે મુશ્કેલી એ છે કે તેમની સામે ભાજપના ત્રણ વગદાર જૂથની નારાજગી છે.રાજ્ય ભાજપ મુખ્યત્વે ત્રણ છાવણીમાં વહેંચાયેલું છે.વિજયભાઈ રૂપાણી જૂથ,ઉત્તર ગુજરાતનું નીતિનભાઈ પટેલનું જૂથ અને ત્રીજો ચોકો ભીખુભાઇ દલસાણીયાનો. આ ત્રણે વચ્ચે પણ પાર વગરના મતભેદો છે.પણ ભાજપના આંતરિક વર્તુળોની વાત સાચી માનીએ તો પાટીલ સામેની નારાજગી મુદ્દે ત્રણેયમાં સંપ થવા લાગ્યો છે.આ સંજોગોમાં પાટીલ પોતાનું વફાદાર જૂથ બનાવવા પ્રયત્નશીલ બન્યા છે.પણ સતાપાંખની નારાજગી વ્હોરીને કેટલા કાર્યકરો
ખૂલ્લીને પાટીલ તરફ ઢળશે એ અનુમાન મુશ્કેલ છે.સૌરાષ્ટ્ર ની યાત્રા દરમિયાન તેમણે ગોરધન ઝડફિયાને પોતાની સાથે ને સાથે રાખ્યા તેની પાછળ કદાચ એ જ કારણ હતું.નહીંતર ઝડફિયા ભાવનગર અને અમરેલી ને બાદ કરતાં બાકીના સૌરાષ્ટ્રમાં મોટા ગજાના નેતાની ઓળખ ગુમાવી ચુક્યા છે.તેમને સૌરાષ્ટ્રનો પાટીદાર ચહેરો બનાવવાની ચાલ પણ બેકફાયર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.પાટીલે “ઉપર”ના શક્તિશાળી આશિર્વાદ હેઠળ સાફસૂફી અભિયાન હાથ તો ધર્યું છે પણ એ રાહ ખૂબ કપરી હશે તેટલું નક્કી