ફી વધારાના નિર્ણયને મનાવવા માટે સંચાલકની દાદાગીરી
SNK સ્કૂલ સંચાલકોએ નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં 78 હજારનો વધારો કરતાં વાલીઓએ લડતના મંડાણ કર્યાં
- Advertisement -
ફી ઘટાડવા માટે વાલીઓ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, વ્હોટ્સએપ્પ ગૃપ બનાવી એક હજાર વાલીઓ ભેગા થયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની નામાંકીત એસએનકે સ્કૂલે નવા શૈક્ષણિક વર્ષથી ધો.1થી 5 સુધીમાં 78 હજાર રૂપિયા સુધીનો ફી વધારો ઝીંકતા વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે લડતના મંડાણ માંડ્યા છે. જેને લઈને વાલીઓએ એક વ્હોટ્સએપ ગૃપ બનાવ્યું છે જેમાં એક હજાર વાલીઓ જોડાઈ ચૂક્યા છે. જેની સામે સ્કૂલ સંચાલકોએ પણ વાલીઓને એક મેસેજ આપ્યો છે કે, જૂની ફીમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવું પોષાય તેમ નથી. તેથી અમે ફી વધારો કર્યો છે. આ બાબતે એસએનકે સ્કૂલના સંચાલક કિરણ પટેલે વાલીઓ પર દબાણ કરીને એવું કહ્યું કે, જો જરૂર પડશે તો સ્કૂલ બંધ કરી દેશું પરંતુ ફી તો નહીં જ ઘટાડીએ. આમ સ્કૂલ સંચાલક પોતાની વાત મનાવવા માટે વાલીઓ પર પ્રેશર કરી રહ્યા છે. તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
એસએનકે સ્કૂલ દ્વારા વાલીઓને ચાર પાનાની પીડીએફ આપી અને તેની સાથે ફીનો ચાર્ટ પણ આપી ફીમાં 78 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને 2023-24ના નર્સરીથી ધોરણ 5 સુધીમાં 2.13 લાખ સુધી કરવામાં આવી છે. જેનાથી વાલીઓમાં દેકારો મચી જવા પામ્યો છે. જેનો વાલીઓ વિરોધ કરી રહ્યા છે. નર્સરીમાં અગાઉ રૂા.1.34 લાખ હતી તેમાં વધારો કરી હવે રૂા.1.87 લાખ અને બાલમંદિરમાં 1.40 લાખ હતાં તેમાં વધારો કરી રૂા.2.13 લાખ સુધી ફી કરી નાખવમાં આવી છે અને તે અંગેની સુચના પણ સ્કૂલ દ્વારા વાલીઓને કરવામાં આવી છે. આ બાબતે વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, આ એફઆરસી કમિટીમાં આવશે તેવું કહીને હાથ ખંખરી લીધા હતા.
- Advertisement -
FRC સામેનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ
સરકારે ખાનગી સ્કૂલોની ફી નિર્ઘારીત કરવા માટે એફઆરસીનું ગઠન કર્યું છે. તેણે દરેક સ્કૂલને ધોરણ મુજબ ફી નક્કી કરી છે. ફી વધારવા મુદ્દે એનએસકે સ્કૂલે હાઈસ્કૂલમાં અરજી કરી હતી કે, અમે વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ અને ફેસિલીટી આપીએ છીએ. તેથી અમે ફી વધારો કરીશું. જે કેસ હજુ પેન્ડિંગ છે પરંતુ સ્કૂલ સંચાલકોએ એવું જણાવ્યું કે, અમે કેસ જીતી ગયા છીએ તેથી ફીમાં વધારો કર્યો.
મતલબ વગરની FRCનું વિસર્જન કરે: રોહિતસિંહ રાજપૂત
રાજકોટમાં એફ.આર.સી.નો કાયદો આવ્યાના 6 વર્ષમાં રૂ.9800 થી લઇને રૂ.54,100નો તો ફી વધારો મંજૂર કરી દેવાયો છે. જે સમિતિ દ્વારા પ્રથમ વર્ષથી જ ઉપરોક્ત નિર્ધારિત ફી નો છેદ ઉડતો રહ્યો છે. તે અર્થ વગરની છે તેથી તેનું વિસર્જન થવું જોઈએ. અત્યાર સુધી આ કમિટીએ એક પણ સ્કૂલ સામે પગલાં લીધા નથી કોઈપણ ફરિયાદ દાખલ નથી કરી. બધું જ બરાબર ચાલી રહ્યું છે તેવો દેખાડો કર્યો છે.