વનવિભાગ અને પશુ ડોકટરોની ટીમો દોડી, તપાસ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના સાપકડા ગામે ગતરાત્રીના કોઈ જંગલી જનાવરે માલધારીના પશુ વાડામાં હુમલો કરી આતંક મચાવતા 45 ઘેટાના ફફડીને મોત નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ વનવિભાગ અને પશુ ડોક્ટરની ટીમે સાપકડા ગામે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
હળવદના સાપકડા ગામે ગઈકાલે રાત્રીના નાનજીભાઈ ભોજાભાઈ ભરવાડ નામના માલધારીના પશુ વાડામાં કોઈ જંગલી જનાવરે હુમલો કર્યો હતો અને જંગલી પ્રાણીના હુમલાથી ફફડીને 45 જેટલા ઘેટાના મોત નિપજ્યા હતા જયારે અન્ય આઠેક ઘેટાં ઈજાગ્રસ્ત થયા હતા. સવારે આ ઘટનાની જાણ થતા જ હળવદ વન વિભાગ અને પશુ ડોક્ટરોની ટીમોએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ આદરી છે.
આ બનાવ અંગે હળવદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે એમ ત્રમટાએ જણાવ્યું હતું કે, હાલમાં ઘેટાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ ડોકટરો દ્વારા કરવામાં આવી છે અને અમારી ટીમ દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં જ્યાં કોઈ જંગલી પશુના પગના નિશાન જોવા મળશે તો ત્યારબાદ જ ક્યાં પ્રાણીએ હુમલો કર્યો તે જાણી શકાશે.