ખાસ-ખબર સંવાદદાતા
મોરબીનું દંપતિ રાજકોટ ખાતે સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જવા માટે ડબલ સવારીમાં ઘરેથી નિકળી ટંકારાના ધ્રુવનગર પાસેથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રકચાલકે બાઈકને ઠોકર મારતા દંપતિ હાઈવે પર પટકાતા પત્નીનું સ્થળ પર મોત નિપજતા અરેરાટી ભર્યા બનાવમાં દંપતિ ખંડીત થયું હતું જ્યારે બનાવ બાદ દયાહીન ટ્રકચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો.
છાસવારે અકસ્માતો સર્જવા પંકાયેલા મોરબી રાજકોટ હાઈવે પર વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો અને મોરબીનું દંપતિ ખંડીત થયું હતું જેમાં મોરબીના રવાપર રોડ પર રહેતા ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ અને તેમના પત્ની નીતાબેન બંને પતિ-પત્ની પોતાના બાઈક પર ડબલ સવારીમાં ઘરેથી રાજકોટ સગા સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જતાં હતા એ દરમિયાન ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ નજીક જીવામામાના ધાર્મિક સ્થાનક પાસેથી પસાર થતા હતા એ વખતે જ અજાણ્યા ટ્રકચાલકે બાઈકને હડફેટે લઈ ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે બાઈક સવાર પતિ પત્ની બંને હાઈવે પર પટકાતા પત્ની નીતાબેન ઉપર ટ્રકનું તોતીંગ વ્હીલ ફરી વળતા પતિની નજર સામે જ પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જયારે ચંદ્રકાંતભાઈને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને દયાહીન ટ્રકચાલક નાસી છુટયો હતો જ્યારે ઘટનાની જાણ થતા ટંકારા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને નાસી છુટેલા અજાણ્યા ટ્રકચાલકની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.