હરિયાણામાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું છે અને ત્રીજી વખત બહુમતી મેળવી છે. ત્યારે હવે પ્રદેશમાં જીત બાદ સરકાર બનાવવાની તૈયારી તેજ થઈ ગઈ છે. નાયબ સૈનીની મુખ્યમંત્રી તેમજ અન્ય બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થઈ શકે છે. જુઓ કોણ કોણ છે દાવેદાર
હરિયાણામાં ભાજપે 90માંથી 48 બેઠકો સાથે ત્રીજી વખત બહુમતી મેળવીને સૌને ચોંકાવી દીધા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સાથે તમામની નજર આગામી સરકારની રચના પર ટકેલી છે. રાજ્યમાં આગામી સરકાર એક કે બે નાયબ મુખ્યમંત્રી સાથે વર્તમાન મુખ્યમંત્રી નાયબ સૈનીના નેતૃત્વમાં બની શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી દિવસોમાં સરકાર ગઠન કરવામાં આવશે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઔપચારિક પસંદગી કરવા માટે હરિયાણામાં ધારાસભ્યો સાથે મુલાકાત કરવા નિરીક્ષકો મોકલશે.
- Advertisement -
અહિરવાલ પ્રદેશ ભાજપનો ગઢ
નાયબ સૈનીને ફરી એકવાર રાજ્યની કમાન સોંપવામાં આવી શકે છે. આ સિવાય એક કે બે નાયબ મુખ્યમંત્રીની નિમણૂક થઈ શકે છે, જેમાં એક અહિરવાલ પ્રદેશમાંથી અને એક દલિત સમુદાયમાંથી હોવાની શક્યતા છે. મહિપાલ ધાંડા અને શ્રુતિ ચૌધરી મંત્રી પદના દાવેદાર પણ બની શકે છે. જો કે, અંતિમ નિર્ણય કેન્દ્રિય નેતૃત્વ દ્વારા જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નાયબ સિંહ સૈની જીટી રોડ પર સ્થિત લાડવા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે. પાર્ટીના નેતાઓનું માનવું છે કે યાદવ પ્રભુત્વ ધરાવતા અહિરવાલ વિસ્તારમાંથી નાયબ મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. અહિરવાલ પ્રદેશમાં ભાજપનો ગઢ છે.
દલિતને ડેપ્યટી સીએમ બનાવી શકે
- Advertisement -
બીજી રીતે રાજકીય ગણતરીની વાત કરવામાં આવે તો એક નાયબ મુખ્યમંત્રી દલિત પણ હોય શકે છે. દલિતને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળનું કારણ એ છે કે આ જાતિ ફરી ભાજપમાં આવી ગઈ છે. ખાસ કરીને બિનજાટવ દલિતોએ આ વખતે મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યો છે.
મહિપાલ ધાંડા બનશે મંત્રી?
ભાજપના પાણીપત ગ્રામીણ સાંસદ મહિપાલ ધાંડા કે જેઓ જાટ છે અને તેમની કારકિર્દી એબીવીપીથી શરૂ કરી છે તેમને મંત્રી પદ માટે પસંદ કરવામાં આવી શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલા નાયબ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરનાર અનિલ વિજને ભાજપ કઈ જવાબદારી સોંપે છે કે કેમ તે જોવાનું રહેશે. જ્યારે મનોહર લાલ ખટ્ટરને સ્થાને સૈનીને પદ આપવામાં આવ્યું ત્યારે તેમને રાજ્ય કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.
બ્રાહ્મણનું પણ ધ્યાન રાખવામાં આવશે?
જાટ પ્રભુત્વ ધરાવતી ઉચાના કલાન બેઠક પરથી બ્રાહ્મણ દેવેન્દ્ર અત્રી જીત્યા છે. ભાજપે આઝાદી બાદ પ્રથમ વખત આ બેઠક જીતી છે, જેના કારણે અત્રીને મંત્રી પદના મુખ્ય દાવેદાર બનાવવામાં આવ્યા છે. આ બેઠક પર હરિયાણાના બે મોટા રાજકીય પરિવારો દેવીલાલ પરિવાર અને સર છોટુ રામના પરિવાર વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. અત્રીએ બ્રિજેન્દ્ર સિંહને ઓછા અંતરથી હરાવ્યા હતા.
શું શ્રુતિ ચૌધરીનું કદ વધશે?
દેવેન્દ્ર અત્રી સિવાય બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરીને પણ મંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 2023થી અત્યાર સુધીની તમામ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે જીત મેળવી છે, તેમા રાજ્યના વિવિધ પ્રદેશોના જાતિ સમીકરણો અને આકાંક્ષાઓને સંતુલિત કરવા માટે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવી છે. આ મોડેલ રાજ્ય સ્તરે સામૂહિક નેતૃત્વની ખાતરી આપે છે.