ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા પારસ્પરિક ટેરિફ અને દિલ્હી દ્વારા રશિયન તેલની ખરીદી પર વધારાના 25 ટકા ટેરિફ લાદ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક સમયથી સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે. બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) ટ્રમ્પે કહ્યું કે, ‘મેં રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર પ્રારંભિક પ્રતિબંધો લાદ્યા છે અને સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.’ ટ્રમ્પનું આ નિવેદન ઓવલ ઓફિસમાં પોલેન્ડના પ્રમુખ કરોલ નવરોકી સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન આવી હતી. જ્યારે એક પોલેન્ડના પત્રકારે તેમને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પ્રત્યે નારાજગી દર્શાવવા છતાં કોઈ પગલાં ન લેવા અંગે પૂછ્યું, ત્યારે ટ્રમ્પ ગુસ્સે દેખાતા હતા.
- Advertisement -
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારના સવાલનો આપ્યો જવાબ
પત્રકારના સવાલના જવાબમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘તમે કેવી રીતે જાણો છો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? શું તમે કહો છો કે તે ચીનની બહાર સૌથી મોટા ખરીદદાર ભારત પર ગૌણ પ્રતિબંધો લાદવા સમાન છે? શું તમે કહો છો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? આનાથી રશિયાને અબજો ડોલરનું નુકસાન થયું છે. તમે આને કોઈ કાર્યવાહી નહીં કહો? અને મેં હજુ સુધી બીજો કે ત્રીજો તબક્કો પૂર્ણ કર્યો નથી. પરંતુ જ્યારે તમે કહો છો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે મને લાગે છે કે તમારે બીજી નોકરી શોધવી જોઈએ.’
ભારત અંગે ટ્રમ્પે કહ્યું કે, ‘બે અઠવાડિયા પહેલા, મેં કહ્યું હતું કે, જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે, તો ભારતને મોટી સમસ્યાઓ થશે, અને તે જ થાય છે. તેથી, મને તેના વિશે કહો નહીં.’
- Advertisement -
‘ભારત પર પ્રતિબંધો મોસ્કો વિરુદ્ધ કાર્યવાહી છે’
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા બેઈજિંગમાં લશ્કરી પરેડમાં એકસાથે દેખાવા અને મોસ્કો પર ગૌણ પ્રતિબંધો લાદવા અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે ‘મારા વહીવટીતંત્રે ભારત પર પ્રતિબંધો લાદીને મોસ્કો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. મેં ભારત પ્રત્યે આ પહેલેથી જ કર્યું છે, અને અમે અન્ય બાબતો પ્રત્યે પણ તે કરી રહ્યા છીએ.’
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ભારત પર 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ અને રશિયાથી ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો હતો. 27મી ઓગસ્ટથી અમલમાં આવેલા આ નવા પગલાં ભારતીય માલ પરના ટેરિફને અસરકારક રીતે બમણો કર્યો છે. જેનાથી કુલ ટેરિફ 50 ટકા થઈ જાય છે.