રાજ્ય સરકારે પાલિકા પ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારી, 25મી સુધીમાં જવાબ આપવા આદેશ
ઝૂલતા પૂલ દુર્ઘટનાને મહિનાઓ વીતી ગયા બાદ અંતે શહેરી વિકાસ વિભાગ જાગ્યું !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઘટેલી ગોઝારી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ગંભીરતાથી લીધો હતો અને આ મુદ્દે હાઈકોર્ટમાં સૂઓમોટો પણ દાખલ કરવામાં આવી હતી. સૂઓમોટો અને પીએલઆઈ મુદ્દે હાઈકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ પણ ફટકારી હતી ત્યારબાદ હવે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ જોવા મળી રહી છે જે અંતર્ગત સરકારે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટીસ ફટકારીને નગરપાલિકા સુપરસીડ કેમ ન કરવી તેનો જવાબ આપવા એક સપ્તાહની મુદત આપી છે અને આગામી તા. 25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. હવે પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલ તમામ સભ્યો આ બાબતે ક્યારે સામાન્ય સભા બોલાવે છે અને શું જવાબ રજૂ કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
મોરબીની ઝૂલતા પુલ દૂર્ઘટનામાં નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાથી પાલિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી હતી તો બીજી તરફ આ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી હતી અને સરકારને નોટિસ ફટકારી જરૂરી કાર્યવાહી માટે આદેશ કરતા અંતે સરકારે આ ઘટનામાં મૃતકના પરિવારને રૂ. 10 લાખ સહાય આપવાનો તેમજ પાલિકાને સુપરસીડ કરવામાં આવશે તેવો લેખિત જવાબ આપ્યો હતો ત્યારે ફરી એકવાર ગુજરાતનું શહેરી વિકાસ વિભાગ જાગ્યું છે અને મોરબી પાલિકા પ્રમુખને લેખિત નોટિસ ફટકારી પાલિકા સુપર સીડ કેમ ન કરવામાં આવે તેવો સવાલ પૂછ્યો છે અને આગામી 25 જાન્યુઆરી પહેલા પાલિકાની બોડી દ્વારા ઠરાવ કરી જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં પાલિકા પ્રમુખ જનરલ બોર્ડ ક્યારે બોલાવશે અને શહેરી વિકાસ વિભાગનો જવાબ રજૂ કરવા અંગે સભ્યોને વિશ્વાસમાં લઈ પાલિકા શા માટે સુપરસીડ ન કરવી તે અંગે પોતાનો શું જવાબ રજૂ કરે છે તેના પર સૌ કોઈની નજર છે.