SPએ ગઢવીનો પગારવધારો રોકીને પ્રજાને ઊંધા ચશ્માં પહેરાવ્યા
ગૃહમંત્રી સંઘવીએ કહ્યું હતું કે, ‘ગમ્મે તેવા ચમરબંધી હશે તો પણ વરઘોડો નીકળશે’ આ વચનનું શું થયું?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોશિયલ મીડિયામાં એક પોલીસ કર્મચારી સાયકલ પર સવાર સગીરને માર મારતો વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. બનાવની વિગત અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોઈ સુરત પોલીસ દ્વારા ગુરુવારે સુરક્ષાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક એક સગીર યુવક સાયકલ લઈને આવી ગયો હતો. ત્યારે સગીરને સમજાવવાને બદલે મોરબીથી સુરત ફરજ પર મોકલાયેલા પોલીસ કર્મચારીએ સગીરના વાળ ખેંચીને તેને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જોતજોતામાં વીડિયો વાયરલ થતા લોકોમાં પોલીસ કર્મચારીની આ હરકત સામે રોષ ફેલાયો હતો. સગીરને માર મારનાર પોલીસ કર્મચારીની ઓળખ મોરબી જિલ્લાના પીએસઆઈ બી.એ. ગઢવી તરીકે થઈ છે અને આ ઘટના બાદ ગઢવીને તાત્કાલિક કંટ્રોલ રૂમમાંખસેડાયા છે તેમજ એક વર્ષ સુધી તેમના પગારનો એક ઈજાફો પણ એક વર્ષ માટે અટકાવી દેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકોથી ભૂલ થાય તો તેમને સમજાવવાની ફરજ વડીલોની છે. પરંતું આ પ્રકારે જો પોલીસ જ મારામારી કરવા પર ઉતરી આવે તો હાલની જનરેશન પર તેની શું અસર પડશે? ગૃહમંત્રી હર્ષ સઘવીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, કોઈપણ ચરમબંધીનો વરઘોડો નીકળશે ત્યારે માસૂમ પર અત્યાચાર કરનારા આ રાક્ષસી પોલીસ અધિકારીનો વરઘોડો નીકળશે કે કેમ એ જોવું રહ્યું.
- Advertisement -
સગીરને માર માર્યા બાદ કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી છોડવામાં આવ્યો
પોલીસ દ્વારા માર મારવામાં આવેલા સગીર વિશે મળતી માહિતી મુજબ તે માત્ર ત્રણ મહિના પહેલા નેપાળથી સુરતમાં આવ્યો હતો. કિશોરની માતાનું ટીબી (ક્ષયરોગ)ના કારણે નિધન થયું હતું. પિતાએ બીજા લગ્ન કરી લીધા હતાં. તે ભણેલો નથી અને શહેરની કોઈ જાણકારી ન હોવાથી તે અજાણતા પોલીસે ગોઠવેલા સુરક્ષા રૂટ પર પહોંચી ગયો હતો. તેના મામાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, સાંજે 4:30 વાગ્યે તે સાઇકલ લઈને નીકળ્યો હતો. મને લાગ્યું કે, ફરવા ગયો હશે અને મોડા સમય સુધી ઘરે ન આવતાં હું ચિંતિત થયો. પણ 9:30 વાગ્યે તે ઘરે આવ્યો અને રડવા માંડ્યો હતો. તે કહેતો હતો કે, મને ખબર નહોંતી કે ત્યાં શું ચાલી રહ્યું હતું અને અચાનક મને પોલીસ મારવા લાગી. પછી પોલીસ સ્ટેશન લઈ ગયા અને કલાકો સુધી રોકી રાખ્યો. હમણાં જ મને છોડ્યો.



