અગ્નિકાંડ: ચેરમેન જયમિન ઠાકરે બેશરમીપૂર્વક કહ્યું કે, કોઈ અધિકારીનો કે કોર્પોરેશનનો વાંક નથી!
જવાબદારીથી છટકવા માટે વાહિયાત નિવેદનો કરતા જયમિને સાંસદ રામભાઈ મોકરિયા પાસેથી જાહેરજીવન શીખવું જોઈએ, રામભાઈનાં પગ ધોઈને એ
પાણી પ્રસાદ તરીકે પીવું જોઈએ…
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટ અગ્નિકાંડ બાદ એક તરફ દિલ-દિમાગને હચમચાવી નાખે તેવા ભાવુક દૃશ્યો સર્જાયા છે તો બીજી તરફ પીડિત પરિવાર સિવાયની પ્રજાની આંખો પહોળી અને કાન સુન્ન થઈ જાય તેવા ફોટો-વિડીયો જોવા મળી રહ્યા છે. મીડિયામાં આવેલા કેટલાક ફોટો-વિડીયોએ રાજકોટવાસીઓના ઘાવ પર જાણે મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાસ્થળેથી જ ધારાસભ્ય રમેશ ટીલાળા મીડિયા સમક્ષ અટ્ટહાસ્ય સાથે શું કરી શકાય તેમ કહી હાથ ઊંચા કરી રહ્યા છે તો અન્ય એક વિડીયોમાં પોલીસવાળા બચાવ કામગીરીની જગ્યાએ અધિકારીઓને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરતા હોવાનું નજરે પડી રહ્યું છે. ભાજપ પ્રમુખ મુકેશ દોષી તો ખુરશી ઢાળી ઊંઘી રહ્યા હોય એવો એક ફોટો વાયરલ થયો છે.
- Advertisement -
અન્ય નેતાઓ પણ ફોટોસેશનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ખુદને નગરસેવક ગણાવતા એક પદાધિકારીએ સમગ્ર બનાવમાં કોઈ અધિકારી કે સંસ્થાનો વાંક જ ન હોવાનું જણાવી કોર્પોરેશનને ક્લિનચીટ આપી દીધી! ટીઆરપી ગેમઝોનની દુર્ઘટના બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, આ એક દુર્ઘટના છે. તેમાં કોઈ સંસ્થા કે અધિકારીનો વાંક જ નથી. આમ સમગ્ર બનાવમાં મનોરંજન વિભાગની જવાબદારી હોય જયમીન ઠાકરે કોર્પોરેશન અને તેના અધિકારીઓને બચાવ કર્યો હતો જોકે તેમના આ નિવેદન બાદ રાજ્ય સરકારે તુરંત કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના માટે જવાબદાર 7 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે.
જેમાં કોર્પોરેશનના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. આ સિવાય ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના સ્ટેશન એક ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના નિવેદન મુજબ જો મનોરંજન વિભાગે કોર્પોરેશનને ફાઈલ મોકલી જ નહતી કે પછી આ દુર્ઘટનામાં કોઈ સંસ્થા કે અધિકારીનો વાંક નથી તો પછી રાજ્ય સરકાર દ્વારા ક્યાં આધારે 7 જેટલા અધિકારીઓને ફરજમુક્ત કરવામા આવ્યા? રાજ્ય સરકારની કાર્યવાહી અને સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનનો એક અર્થ એવો પણ નીકળે છે કે, આખી દુર્ઘટનામાં ક્યાંક કાચું કપાયું છે અને જવાબદારીની ફેંકાફેંકી વચ્ચે તંત્ર પોતાની ભૂલનો ઢાંકપીછોડો કરવા ગમેતેવા નિવેદન આપી રહ્યું છે.
નોંધનીય છે કે, ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટનાની જાણ થતાં જ સાંસદ રામભાઈ મોકરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જાહેરમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરનો ઊધડો લઈ લીધો હતો. આ સમયે એક અધિકારીએ ‘મૃતકોના પરિવારને રૂ.4 લાખ મુઆવજો મળી જશે’ તેમ કહેતાં જ સાંસદ ઉકળી ઉઠ્યા હતા અને ‘તમારા છોકરાને મારી નાખે પછી હું રૂ.4 કરોડ આપી દઉં, તમે લેશો? એટલી કોમન સેન્સ નથી કે તમે શું વાત કરો છો?’ કહી ઊધડો લઈ લીધો હતો.
દુર્ઘટના બાદ ગણતરીના સમયમાં દોડી આવેલા સાંસદ મોકરિયાએ ત્યાં ઊભેલા ઉચ્ચ અધિકારીઓને ઘટના કેવી રીતે બની તે બાબતે પૃચ્છા કરી ત્યાં હાજર પ્રજાજનો વચ્ચે જ ઊધડો લીધો હતો. આ ઘટના તંત્રના ભ્રષ્ટાચારને કારણે બન્યાનો ગંભીર આક્ષેપ કરી તેના માટે અધિકારીઓ પર માછલાં ધોયા હતા. આ સમયે એક અધિકારીએ જાહેરમાં આવી વાત ન કરવા કહેતા સાંસદ વધુ ઉકળ્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, ‘આ તો પબ્લિક સારી છે તમને બોલતી નથી, બાકી દોડાવી-દોડાવીને જાહેરમાં મારે’. તમે પ્રજાના સેવક છો તમારી આ જવાબદારી છે તેમ પણ સાંસદે સુણાવી દીધાનું નજરે જોનારાઓએ જણાવ્યું હતું. આવડી મોટી દુર્ઘટના બાદ પણ ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓના બેબાક વલણના વિરોધમાં સાંસદ રામભાઈ મોકરિયાએ પ્રજાના અને પીડિતોની વેદનાને વાચા આપતા જ ઉચ્ચ અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ હતી. આ ઘટના માટે સાંસદ મોકરિયાએ મનપાના સત્તાધીશો અને શાસકોને પણ જવાબદાર ઠેરવતા જણાવ્યું હતું કે ચાર-ચાર વર્ષથી આવડો મોટો માંચડો ખડકાઇ ગયો અને કોઇને ખબર ન હોય તે કેમ બને?
જો ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર આ મામલે કોઈ સંસ્થા કે અધિકારીનો વાંક ન હોવાની વાત તદ્દન અયોગ્ય છે અને રામભાઈ મોકરિયાએ જણાવ્યું તેમ રાજકોટની જનતા અને પીડિત પરિવાર ખરેખર સહનશીલ છે, નહીં તો તંત્રના અધિકારી-પદાધિકારીથી લઈ ગેમઝોનના એકપણ વ્યક્તિને છોડે નહીં, દોડાવી દોડાવીને મારે. ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદના દૃશ્યો જોઈ દરેક વ્યક્તિમાં સ્થાનિક તંત્રના અધિકારી-પદાધિકારી વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે જનતાનો મિજાજ ટાઢો પાડવા સરકાર દ્વારા હંમેશની જેમ નાની માછલી (અધિકારી) પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ મોટી માછલીઓ (પદાધિકારીઓ) પર કોઈ પગલાં ભરવામાં આવી રહ્યા નથી. આ મામલે રાજકોટવાસીઓ માંગણી રહ્યા છે કે, ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ અને પીડિત પરિવારને યોગ્ય વળતર ત્યારે જ મળેલું ગણાશે જ્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેનથી લઈ મેયરને પણ ઘરભેગા કરી દેવામાં આવે.
જો મહાનગરપાલિકાનાં અધિકારીઓ-કર્મચારીઓ દોષિત ના હોય તો સાત-સાત સસ્પેન્શન શા માટે થયાં? શું તેમને સસ્પેન્ડ કરનારી રાજ્ય સરકારમાં અક્કલ નથી?