રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા યોગ્ય પગલાં લેવા કલેકટરને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરના નરમાણા ગામે મહિલાની છેડતી બાબતે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવા આજરોજ ઉગ્ર માંગ સાથે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવી છે.
- Advertisement -
વધુમાં તા. 23-8ના રોજ નરમાણા (તા. જામજોધપુર, જિ. જામનગર) ગામમાં રહેતા હિન્દુ ધર્મના અનિતાબહેન અમલાણી જ્યારે પોતાના નિજી કામથી પોતાના એક્ટિવા પર બહાર સ્થાનિય બજારમાં ખરીદી કરવા ગયેલ હોય ત્યારે ઘરે પરત ફરતી વખતે રસ્તામાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ મહિલાને હાથ દેખાડી ઉભા રાખી અને મહિલાનો હાથ પકડી અભદ્ર ભાષામાં અશોભનીય માગણી કરી ત્યારે પાછળ બીજી ગાડી આવતા જોઈને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ હાથ છોડી દીધો. મહિલાએ આ સમગ્ર ઘટના પોતાના ઘરે આવીને તેના પતિને જાણ કરી પછી તેના પતિએ આ બાબત ગામના સરપંચ અને તે પોલીસ કોન્સ્ટેબલના ભાઈને કરી પછી તેઓ સમાધાનની વાત પર ઉતરી આવેલા પરંતુ જ્યારે સમાધાનની વાત ચાલતી હતી ત્યારે એ પોલીસ કોન્સ્ટેબલ ઉશ્કેરાયેલા અને મહિલાને બે લાફા મારીને જતાં રહેલ પછી મહિલાના પરિવારમાં 100 નંબર પર જાણ કરી અને આ ઘટના અંગે જણાવ્યું હતું.
હાલ એ પોલીસ કોન્સ્ટેબલ પર કોઈપણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ નથી અને તેની હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા ધરપકડ કે શોધખોળ હાથ ધરાઈ નથી. તેઓ પોલીસને ચકમો આપીને હજુ સુધી ફરાર છે કે પોલીસ પ્રશાસન તેને બચાવવાની કોશિશ કરી રહ્યું છે કેમ? જો રક્ષક જ ભક્ષક બનશે તો સામાન્ય પ્રજા કઈ રીતે પોલીસ પ્રશાસન પર વિશ્ર્વાસ કરશે? જો ભવિષ્યમાં એ મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના ફરીથી બનશે તો જવાબદાર કોણ રહેશે? આ પોલીસ કોન્સ્ટેબલની તાત્કાલિક ધરપકડ થાય અને તેને સસ્પેન્ડ કરીને કડક સજા કરવામાં આવે અને મહિલાને યોગ્ય ન્યાય મળે એ માટે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા અપીલ કરી અને ગુજરાત રાજ્યના સમગ્ર જિલ્લામાં કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.