ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકામાં જે લોકોને કાયમ રહેવું હોય એમને એલિયન રજીસ્ટ્રેશન રિસીપ્ટ આ નામ ધરાવતું ગ્રીનકાર્ડ મેળવવાની જરૂરિયાત રહે છે. એલિયન રજીસ્ટ્રેશન રિસીટનું હુલામણું નામ ગ્રીનકાર્ડ છે. વિઝીટીંગ કાર્ડના કદનું ગ્રીનકાર્ડ નામ એટલા માટે પડ્યું છે કે શરૂઆતમાં જ્યારે એ દાખલ કરવામાં આવ્યું ત્યારે એનો રંગ લીલો હતો. ગ્રીનકાર્ડ જો તમારી પાસે હોય તો તમે અમેરિકામાં કાયમ રહી શકો છો, બિઝનેસ કરી શકો છો, નોકરી કરી શકો છો, ભણી શકો છો, ગમે ત્યાં હરીફરી શકો છો. પૈસા હોય તો આરામ કરી શકો છો. ગ્રીનકાર્ડ મળ્યા બાદ અમુક સંજોગોમાં અમુક વર્ષો પછી તમે અમેરિકન સિટીઝન બનવાની નેચરલાઈઝેશન દ્વારા અરજી પણ કરી શકો છો.
- Advertisement -
આ ગ્રીનકાર્ડ કેમ મેળવાય? એ મેળવવાના અનેક રસ્તાઓ છે
તમારા સંતાનો જો અમેરિકન સિટીઝન હોય યા તમારા પતિ યા પત્ની અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા લાભ માટે ઇમિજીએટ રિલેટીવ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રુવ થાય એટલે તમને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મેળવીને તમે અમેરિકામાં પ્રવેશો એટલે તમને ત્યાં કાયમ રહેવાની છૂટ આપતું ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ઇમિજીએટ રિલેટીવ કેટેગરી હેઠળ જે પિટિશનો દાખલ કરવામાં આવે છે એ વાર્ષિક કોટાની સંખ્યા મર્યાદાથી સીમિત નથી હોતા. એક વર્ષની અંદર ઇમિજીએટ રિલેટીવ કેટેગરી હેઠળ ગમે તેટલી સંખ્યામાં ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. તમે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ગ્રીનકાર્ડ મેળવી શકો છો. તમારા માતાપિતા જો અમેરિકન સિટીઝન હોય અને તમે 21 વર્ષની વય વટાવી ચૂક્યા હોવ પણ અવિવાહિત હોવ તો તમારા માતપિતા તમારા લાભ માટે ફેમિલી ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે.
જો તમે ગ્રીનકાર્ડ ધારક જોડે લગ્ન કર્યા હોય તો એ ગ્રીનકાર્ડ ધારક તમારા લાભ માટે ફેમિલી સેક્ધડએ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. તમને બાળકો પણ હોય અને જો તેઓ 21 વર્ષથી ઓછી ઉંમરના હોય તો એમના માટે પણ તમારા અમેરિકન સિટીઝન ગ્રીનકાર્ડ ધારક પતિ યા પત્ની ફેમિલી સેક્ધડ (એ) પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. તમારા બાળકો જો 21 વર્ષની વય વટાવી ચૂક્યા હોય, પણ અવિવાહિત હોય, તો એમના
માટે તમારા ગ્રીનકાર્ડ ધારક પતિ યા પત્ની ફેમિલી સેક્ધડ (બી) પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. તમારા માતપિતા જો અમેરિકન સિટીઝન હોય અને તમે પરણેલા હોવ તો તમારા લાભ માટે અને તમારી સાથે તમારી પતિ યા પત્ની અને 21 વર્ષથી નીચેની વયના સંતાનો માટે તમારા અમેરિકન સિટીઝન માબાપ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન ફેમિલી થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરી શકે છે. તમારા ભાઈ-બહેન જો અમેરિકન સિટીઝન હોય તો તેઓ તમારા લાભ માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. જે મળેથી અમેરિકામાં પહોંચ્યા બાદ તમને ગ્રીનકાર્ડ મળી શકે છે. આમ જુદી જુદી ચાર ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ તમને ગ્રીનકાર્ડ પ્રાપ્ત થઈ શકે છે. એક વર્ષની અંદર ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ 2,26,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ સંખ્યા વિશ્વના દરેક દેશો વચ્ચે વહેંચી આપવામાં આવે છે. દરેક દેશને આમાંના સાત ટકા મળે છે. આ કારણસર જ આજે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અને ત્યારબાદ અમેરિકામાં પ્રવેશીને ગ્રીનકાર્ડ મેળવવા માટે વર્ષોની વાટ જોવી પડે છે. તમે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ગ્રીનકાર્ડ મેળવી શકો છે. અમેરિકામાં જે લોકો બિઝનેસ કરતા હોય, તેઓ જો ઈચ્છે તો લેબર સર્ટિફિકેશન કરાવીને એટલે કે લેબર ડિપાર્ટમેન્ટને એવી ખાતરી કરાવીને કે અમને જે પ્રકારની વ્યક્તિ જોઈએ છે. એવી વ્યક્તિ અમેરિકામાં ઉપલબ્ધ નથી અથવા તો ઉપલબ્ધ હોય તો તેઓ એમને ત્યાં કામ કરવા માટે રાજી નથી. આવું દેખાડી તેઓ પરવાનગી મેળવે છે કે એમને પરદેશથી આવી વ્યક્તિઓને બોલાવવાની છૂટ આપો. એ લેબર સર્ટિફિકેશન મેળવ્યા બાદ તેઓ ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે પ્રકારના પરદેશીઓને જે પ્રકારનું કામ કરવા માટે બોલાવતા હોય એ પ્રકારની અરજી કરે છે. એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ પણ વાર્ષિક કોટાના બંધનોથી સીમિત છે. આથી આ કેટેગરી હેઠળ પણ ઈમિગ્રન્ટ વિઝા મેળવતા વર્ષોની વાટ જોવી પડે છે. વર્ષ 1990માં અમેરિકાની સરકારે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એક પાંચમી કેટેગરી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી દાખલ કરી છે. વર્ષ 1990માં બેઝિક પ્રોગ્રામ દાખલ કરેલ છે અને વર્ષ 1993માં પાયલોટ પ્રોગ્રામ દાખલ કરેલ છે. આની હેઠળ અમેરિકામાં નવા બિઝનેસમાં અમુક રકમનું રોકાણ કરતા અને દસ અમેરિકનોને નોકરીમાં રાખતા ઈમિગ્રન્ટ વિઝા મળી શકે છે. પાયલોટ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલા રિજનલ સેન્ટરમાં રોકાણ કરતા અને એ રિજનલ સેન્ટર તમારા વતીથી દસ અમેરિકનોને એમના નવા બિઝનેસમાં સીધી યા આડકતરી યા ઇનડ્યુશ રીતે નોકરી આપતા તમને ગ્રીનકાર્ડ મળી શકે છે. આજે આ ઈબી-5 પ્રોગ્રામનો સૌથી વધુ લાભ ભારતીયો લઈ રહ્યા છે. અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ વિઝા લોટરી દ્વારા આપે છે. તમારે ફક્ત અરજી કરવાની, તમારું નામ અને ઉંમર લખીને મોકલવાની. જો તમે ડ્રોમાં ખેંચાઈ આવો, નસીબવંતા નિવડો, તો તમને ગ્રીનકાર્ડ આપવામાં આવે. પણ ભારતીયો આમાં ભાગ લઈ નથી શકતા કારણ કે વિઝા લોટરીમાં જે દેશના લોકોએ છેલ્લા થોડા વર્ષોમાં સૌથી વધુ ગ્રીનકાર્ડ મેળવ્યા હોય એ લોકો ભાગ લઈ નથી શકતા. ગ્રીનકાર્ડ રાજકીય આશરો માંગીને, અસાયલમ માંગીને પણ મેળવી શકાય છે. રેફ્યુઝી સ્ટેટ્સ મેળવીને પણ પામી શકાય છે. અમેરિકાની મિલેટરીમાં જોડાઓ અને અમેરિકા વતીથી લડવા માટે તૈયાર હોવ તોપણ તમને ગ્રીનકાર્ડ મળી શકે છે. આમ જુદી જુદી રીતે ગ્રીનકાર્ડ મળી શકે છે. પણ આજના સમયમાં સૌથી ઝડપી અને સૌથી સરળ ગ્રીનકાર્ડ મેળવવાનો રસ્તો છે ઈબી-5. આજે ભારતીયો ખૂબ મોટી સંખ્યામાં ઈબી-5 પ્રોગ્રામ હેઠળ અમેરિકાના રિજનલ સેન્ટરોમાં આઠ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવી રહ્યા છે.
અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીનકાર્ડ “વિઝા લોટરી” દ્વારા આપે છે, જેમાં અરજીકર્તા ડ્રોમાં ખેંચાઈ આવે તો ગ્રીનકાર્ડ અપાય છે
- Advertisement -