145મી રથયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક થઇ સંપન્ન, ભગવાને મંદિર પરિસરમાં જ રાતવાસો કરીને સવારે વાજતે ગાજતે ગર્ભગૃહમાં કરવામાં આવ્યા સ્થાપિત
145મી રથયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક પૂર્ણ થઇ. કોરોનાકાળ બાદ ભક્તો સાથે પહેલીવાર રથયાત્રા યોજાઇ. હજારો ભક્તોના ઘોડાપુર સાથે હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રા પર્વ ઉજવાયો. આ એવી ક્ષણ હોય છે જેનો લ્હાવો લઇને ખરેખર ધન્યતા અનુભવાય. ભગવાનના દર્શન કરવા તો સૌ કોઇ મંદિરમાં જાય પરંતુ જ્યારે ભગવાન દર્શન આપવા બહાર આવે તો પછી ભક્તોમાં હરખ તો કેટલો હોય ! ત્યારે નગરચર્યાએ જઇને આવેલા ભગવાન જગન્નાથ આખી રાત મંદિર બહાર જ રહીને વિતાવી. આજે સવારે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. પરંતુ સવાલ અહીં એ પણ થાય કે રાતે જ કેમ ગર્ભગૃહમાં સ્થાપિત ન કરાયા, બીજા દિવસે સવારે જ કેમ ? શા માટે ભગવાને મંદિરની બહાર રાતવાસો કરવો પડ્યો. આવો જાણીએ, શું છે કારણ
- Advertisement -
કેમ ભગવાન રાતવાસો મંદિરની બહાર કરે છે ?
એવી લોકવાયકા છે કે ભગવાન જગન્નાથજી ભાઇ બળદેવ અને બહેન સુભદ્રાને લઇને અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળ્યા. પરંતુ પત્ની રુક્મણિને લીધા વગર જ તેઓ નગરચર્યા કરી આવે છે. જેથી રિસાયેલી પત્ની ભગવાનને સજાના ભાગરૂપે મંદિરમાં પ્રવેશ આપતી નથી. જેથી ભગવાને રાતવાસો મંદિરની બહાર જ કરવો પડે છે. રિસામણા મનામણા થયા પછી છેક સવારે જ જગન્નાથજીને મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ મળે છે. જગન્નાથજી પત્નીને કહે છે કે હું જ્યાં જાઉ ત્યાં તમે મારી સાથે જ છો, તમે મારા હૃદયમાં જ છો આમ કહીને પત્ની રૂકમણિને મનાવી લે છે. જેથી સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
ભગવાનની નજર ઉતારીને મંદિરમાં અપાયો પ્રવેશ
વર્ષમાં એકવાર ભગવાન જ્યારે મંદિરની બહાર નીકળે છે. સાજ શણગાર કરીને ભક્તોને દર્શન આપવા આવે છે ત્યારે સ્વાભાવિક છે ભક્તોની નજર ભગવાનને લાગી જ ગઇ હોય. કારણ કે આ દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે.જેથી ભગવાન જ્યારે નિજમંદિરેથી પરત આવે છે ત્યારે સૌથી પહેલા તેમની નજર ઉતારવામાં આવે છે. આજે ભગવાનની નજર ઉતારવામાં આવી અને તે પછી યજમાન દ્વારા મહાઆરતી કરવામાં આવી. આ વિધિ પતાવીને જ ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
રથની પણ કરવામાં આવશે પૂજા
- Advertisement -
ભગવાન જગન્નાથજીની નગરચર્યા બાદ જે ત્રણ રથ છે તેની પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવે છે. ત્રણેય રથની અષાઢી સુદ પાંચમના દિવસે પૂજા કરવામાં આવે છે ત્યારબાદ રથની સાફસફાઇ કરીને તેને સ્થાન પર મુકવામાં આવે છે.