વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીને શિક્ષણવિદ્ોનો 100 મણનો સવાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ઉત્પલ જોશી, બીઓએમના સભ્યો, મહેકમના રંજન ખૂંટની મિલીભગતથી હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરી પાંચ ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે લાગતાવળગતાઓને ઘૂસાડી દેવામા આવ્યા છે. એમબીએ ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. સંજય ભાયાણીની જગ્યાએ તેમનાથી જૂનિયર ગણાતા પ્રોફેસર હિતેશ શુક્લને, હોમસાયન્સ ભવનમાં પૂર્વ કુલપતિ નિલાંબરી દવેની જગ્યાએ ડો. હસમુખ જોશીને, હિન્દી ભવનમાં નિષ્ણાંત પ્રોફેસર ડો. બી.કે. ક્લાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતાને, કમ્પ્યુટર સાયન્સ ભવનમાં તજજ્ઞ ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને અને મનોવિજ્ઞાન ભવનમાં અનુભવી ડો. યોગેશ જોગસણની જગ્યાએ જેઓ હજુ પ્રોબેશન પર છે, કાયમી નથી તેવા જૂનિયર પ્રોફેસર ડો. તરલીકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર જાહેર કરી ડિપાર્ટમેન્ટ હેડ બનાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કેટલા ખરા અને કેટલા ખોટા છે એ જાણવા સમગ્ર મામલે ખાસ-ખબર દ્વારા અમુક શિક્ષણવિદ્દને પૂછવામાં આવ્યુ ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, કુલપતિ ઉત્પલ જોશીએ જવાબ આપવો જોઈએ કે તેઓએ માત્ર પાંચ ભવનમાં જ હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કેમ કર્યો? ગુજરાત સરકારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 લાગુ કર્યો છે, જે અંતર્ગત રાજ્યની 11 જાહેર યુનિવર્સિટીને એકસમાન કાયદો લાગુ પડે છે. આ કાયદાના અમલ માટે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ યુનિફોર્મ સ્ટેચ્યૂટ્સ 2024 પણ ઘડવામાં આવ્યા છે. આ કાયદા અને સ્ટેચ્યૂટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણમાં સુધારો લાવવા અને વહીવટી પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે, જેમાં હેડશિપ બાય રોટેશન નીતિનો પણ સમાવેશ થાય છે.
કાયદાનું સરેઆમ ઉલ્લંઘન, વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીને કોણ સજા ફટકારશે?
ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ મુજબ રાજ્યની 11 જાહેર યુનિ.માં એકસમાન કાયદો લાગુ પડે
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 29 ભવનોમાંથી માત્ર 5 ભવનોમાં જ ‘હેડશિપ બાય રોટેશન’ લાગુ કરવું એ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 અને યુનિફોર્મ સ્ટેચ્યૂટ્સ 2024ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023નો મુખ્ય ઉદ્દેશ રાજ્યની તમામ જાહેર યુનિવર્સિટીઓમાં એકસમાન અને સુસંગત નિયમો લાગુ કરવાનો છે તો આ નિયમો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અલગ કઈ રીતે હોઈ શકે? 29 ભવનોમાંથી માત્ર 5 ભવનોમાં હેડશિપ બાય રોટેશનનો નિયમ લાગુ કરવો એ કાયદાની મૂળ ભાવનાના વિરોધમાં છે.
સરકારના કાયદા હેઠળ યુનિવર્સિટીના દરેક વિભાગને સમાન ગણવામાં આવે છે અને ત્યાં કાર્યરત પ્રોફેસરોને સમાન તકો મળવી જોઈએ. જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અમુક ભવનમાં હેડશિપ બાય રોટેશન લાગુ કરવામાં આવે અને અમુક ભવનમાં લાગુ કરવામાં ન આવે તે તદ્દન અયોગ્ય છે. આમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પસંદગીના ભવનોમાં રોટેશન લાગુ કરવું એ ગુજરાત સરકારના નવા કાયદાની જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી માળખામાં કાયદેસરની સમસ્યાઓ ઊભી કરી શકે છે અને ભવિષ્યમાં કુલપતિ સહિતના સત્તાધીશો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બની શકે છે એમ જાણવા મળ્યું છે.
કલાસવાએ અધ્યક્ષનું પદ જતું કરી શૈલેષ મહેતાનો વિરોધ ન કરવાના બદલામાં દીકરાને આસિ.પ્રોફેસર બનાવી લીધો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ઉત્પલ જોશીએ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરી લીધા વિના બહાલીની અપેક્ષાએ કેટલાક લાગતાવળગતાઓને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મંજૂરી આપી દીધી હોવાનું જણાય છે. આ મામલે એવું કહેવાય છે કે, હિન્દી ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ હેડ ડો. બી.કે. કલાસવાના પુત્ર આશિષ કલાસવા બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનાવવા પણ મોટો ખેલ ખેલાયો છે. હેડશિપ બાય રોટેશન નીતિ હેઠળ હિન્દી ભવનમાં અધ્યક્ષ પદ જતું કરી ડો. શૈલેષ મહેતાને અધ્યક્ષ બનાવવા દેવાના બદલે ડો. બી.કે. કલાસવાએ દીકરા આશિષને બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનાવવાની શરત મૂકી હતી એવું કહેવાઈ રહ્યું છે. ડો. કલાસવા મોસ્ટ સિનિયર પ્રોફેસર હોવા છતાં ડો. શૈલેષ મહેતાને હિન્દી ડિપાર્ટમેન્ટના હેડ બનાવવા બદલ વિરોધ કરી રહ્યા નથી એ પાછળ આ કારણ જવાબદાર હોઈ શકે છે ઉપરાંત તેઓને કુલપતિ દ્વારા બીઓએમમાં લેવાની ચોકલેટ પણ આપવામાં આવી હોય શકે છે.